રૂપાલા વિરુદ્ધ દોઢ લાખ ક્ષત્રિયો ભેગા થશે, શું ભાજપ ઉમેદવાર બદલશે ?

By: nationgujarat
13 Apr, 2024

ગુજરાતમાં એક સમયે સૌથી મોટું સંમેલન પાટીદારોએ અમદાવાદમાં બોલાવ્યું હતું. જેમાં 5 લાખ પાટીદારો ઉમટ્યા હતા. આવી જ એક અસ્મિતાની લડાઈ હાલમાં રાજપૂત સમાજ લડી રહ્યો છે. ગુજરાતમાં આવતીકાલે ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્સન જોવા મળશે. ભાજપે રૂપાલાને બદલવાનો નનૈયો ભણતાં આ વિવાદ હવે દરેક ક્ષત્રિય સમાજ સુધી પહોંચ્યો છે. હવે એકમાત્ર ગરાશિયા નહીં હવે ક્ષત્રિયોના દરેક સમાજ એક થયા છે.

રાજકોટના રતનપુરનો રેલો ગુજરાતના ગામડે ગામડે સુધી પહોંચશે. હાલમાં જ ભાજપ સામે ગામડાઓમાં રીતસરનો વિરોધ થઈ રહ્યો છે. જો આ વિવાદ ન અટક્યો તો ભાજપને આ ભારે પડશે અને કોંગ્રેસને બગાસુ ખાતાં પતાસું મળી જશે. દિલ્હી હાઈકમાન્ડની આ મહાસંમેલન પર સીધી નજર છે. ક્ષત્રિય સમાજે પણ આ અસ્મિતાની લડાઈ સન્માનપૂર્વક લડવાની જીદ પકડી છે.

આવતીકાલનું શક્તિ પ્રદર્શન ગુજરાત લોકસભાની લડાઈમાં નવો વળાંક લાવશે. ગુજરાતમાં ભાજપ આ વિવાદને રોકવામાં નિષ્ફળ ગયું છે. જેની સીધી અસર ચૂંટણી પર પડવાની છે.આ લડાઈ હવે વટની લડાઈ બની છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ઝૂકવાના મૂડમાં નથી પણ ક્ષત્રિયો રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. આવતીકાલનું ક્ષત્રિય સંમેલન સફળ રહ્યું તો આ વિવાદ રાજસ્થાન, એમપી અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચશે. પશ્વિમી ઉત્તર પ્રદેશમાં રાજપૂત સમાજની નારાજગીને પગલે યોગી એલર્ટ બન્યા છે.

રૂપાલા-ક્ષત્રિયોના વિવાદનો ક્યારે અંત આવશે એ સામે સીધો સવાલ છે? હવે તો સાધુ સંતો પણ વિવાદ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા 3-3 વખત માફી માંગી ચૂક્યા છે. વારંવાર માફી છતાં ક્ષત્રિયો ટસથી મસ થવા તૈયાર નથી. ક્ષત્રિયો હવે લડી લેવાના મૂડમાં છે. આ માટે આવતીકાલે રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોએ વિશાળ સંમેલન બોલાવ્યું છે. રાજકોટના રતનપુરમાં ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાશે. પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલાં મહાસંમેલન યોજાઈ રહ્યો છે. ત્યારે આ આંદોલન પાટીદાર આંદોલનની યાદ અપાશે. રાજ્યભરમાંથી ક્ષત્રિયો મહાસંમેલનમાં પહોંચશે. 1300 જેટલી બસ અને 4600 ફોરવહીલરમાં ક્ષત્રિય સમાજ લોકો રાજકોટ પહોંચશે.

પોલીસ મંજૂરી મંગાઈ
રાજકોટના રતનપુરમાં હાલ ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનની તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે રવિવારે સાંજે 5.00 કલાકે રતનપર ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે. પરસોતમ રૂપાલા ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન બની રહેશે. જે માટે 1300 જેટલી બસ અને 4600 ફોરવ્હીલરમાં લોકો રાજકોટ પહોંચશે. આ માટે કુવાડવા પોલીસ પાસે સંમેલન યોજવા મંજૂરી માંગવામાં આવી હતી.

પોલીસ બંદોબસ્તની તૈયારીઓ
ક્ષત્રિયોના મહાસંમેલનને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. DCB, SOG, LCB, સ્થાનિક પોલીસ સહિતના 250 થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે પણ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મંજૂરીની પ્રક્રિયા મોટા ભાગે પૂર્ણ થવા આવી હોવાની માહિતી મળી છે.

ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન માટેની શિસ્ત પૂરક માટે સૂચનો વહેતા થયા 

  • સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવતા કાર અને બસોને વ્યવસ્તિ પાર્ક કરવા અને કોઈ અવ્યવસ્થા ના થાય એવો સહયોગ આપવો 
  • સમયથી પહેલાં સ્થળ પર આવી ગ્રાઉન્ડ પર રાખેલ બેઠક વ્યવસ્થા મુજબ બેઠક લઇ લેવી 
  •  ઘરેથી માતાજીને પગે લાગીને નીકળવું અને રસ્તામાં કોઈ પણ સાથે કોઈપણ સંજોગોમાં તકરારમાં  ઉતરવું નહિ
  • રસ્તામાં સરકારી વ્યવસ્થા માટે ની પોલીસ ટીમને સહયોગ કરવો અને કોઈ જગ્યા પર ટ્રાફિક જામ થાય એ રીતે વાહન પાર્ક કરવા નહીં 
  • જે બસમાં આપ આવતા હોય એ બસના 2 ભાઈઓ ને જવાબદારી આપવી અને એ બસમાં બેઠેલા દરેક પાસે એમનો મોબાઈલ નંબર આપવો અથવા લઇ લેવો 
  • સંકલન સમિતિ દ્વારા આપેલા સ્ટીકર / બેનર આપની કાર અને બસ ના આગળ અથવા પાછળ ફરજીયાત લગાવવા (જેમ કે ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન- જીલ્લો / તાલુકા નુ નામ) 
  • બસના જવાબદાર ભાઈઓ એ બસમાં આવેલ દરેકના નામ અને મોબાઈલ લખી લેવા અને કાર્યક્રમ પૂર્ણ થાય પછી બધાજ બસમા બેસીને આવી જાય એ ચેક કરી લેવું 
  •  મહા સંમેલનમાં આવતી વખતે આપની સાથે પાણીની બોટલ જરૂર સાથે લાવવી 
  • પોતાનું આધાર કાર્ડ અને દ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું 
  • કાર અથવા બસમાં કોઈ રસ્તામાં તકલીફ થાય એવી વસ્તુ નહીં રાખવી 
  • રસ્તામાં કોઈ અસગવડ કે તકલીફ પડે તો સંકલન સમિતિ ના કોઈપણ સભ્યો અથવા સ્વયં સેવક ને કોલ કરવો 

Related Posts

Load more