લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતની 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યાં છે. જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે તો કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને નારણ કાછડિયાની ટિકિટ કપાઇ છે. સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાના સ્થાને ચંદુભાઇ શિહોરા અને અમરેલીથી નારણ કાછડિયાના સ્થાને ભરત સુતરિયાને મેદાને ઉતારાયા છે. આ પહેલા ભાજપે 13મી તારીખે બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 7 ઉમેદવારોના નામ હતા.
ભાજપે નવી યાદીમાં બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે. જેમાં વડોદરા સીટ માટે પહેલા જાહેર થયેલા ઉમેદવાર રંજન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોશીની ટિકિટ આપી છે. જ્યારે સાંબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરને બદલી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે. આમ વડોદરામાં મહિલા ઉમેદવાર બદલી પુરુષ ઉમેદવાર જ્યારે સાબરકાંઠામાં પુરુષ ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. આ સાથે જ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થઇ ગયા છે. કોંગ્રેસે હજુ 8 સીટ પર પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા.
કોણ છે સાબરકાંઠાના નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા?
શોભનાબેન બારૈયા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ બારૈયા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. 50 વર્ષીય શોભનાબેન બારૈયા પ્રાંતિજ તાલુકાના બાલિસણા સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યારે હવે ચૂંટણી લડવા માટે તેમણે શિક્ષક તરીકે રાજીનામું આપવું પડશે. નોંધનીય છે કે સતત ત્રીજી વખત પ્રાંતિજ તાલુકાને સાંસદ પદના ઉમેદવાર મળ્યા છે.
મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખને સુરેન્દ્રનગરની ટિકીટ
62 વર્ષના ચંદુભાઇ શિહોરા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે. તેમણે BE (સિવિલ)નો અભ્યાસ કરેલો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રહેવાસી છે. ચુંવાળિયા કોળી સમાજનો ચહેરો છે. કોળી સમાજના સમૂહ લગ્ન અને વિદ્યાર્થીઓના સન્માન સમારંભના કાર્યો સાથે જોડાયેલા છે. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપને ડૉ. મહેન્દ્ર મુંજપરા કરતા સક્ષમ ચહેરાની જરૂર હતી માટે ચંદુભાઇ શિહોરાને ટિકિટ મળી