લોકસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે તેમના વધુ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. Tv9એ પહેલેથી જ જણાવેલા તમામ નામો આ યાદીમાં સામેલ છે. કોંગ્રેસની બીજી યાદીમાં જે 11 નામોની જાહેરાત કરવામા આવી છે,તેમાં ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોંગ્રેસમાંથી મહિલા ઉમેદવાર ટક્કર આપવાના છે. કોંગ્રેસે ગાંધીનગર બેઠક પર મહિલા ઉમેદવાર સોનલબેન પટેલને ટિકિટ આપી છે.
ગુજરાત લોકસભાની ચૂંટણીમાં મહત્વનું રાજ્ય છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની વાત કરીએ તો અહીં 7 મેના રોજ મતદાન થશે. એટલે કે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. આ ચૂંટણીમાં મહત્વની બેઠક ગાંધીનગરની છે. ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે કોંગ્રેસમાંથી સોનલ પટેલ ચૂંટણી લડવાના છે.
સોનલ પટેલે જાણીતી ન્યુઝ ચેનલ TV9 સમક્ષ વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમે ચૂંટણી માટે તૈયારીઓ કરી દીધી છે. લોકસભાની કિકઓફ મીટિંગ પણ કરવાના છીએ. જુદી જુદી વિધાનસભા કાર્યકરોને મળીને તેમનો ઉત્સાહ પણ વધારીશુ. મહિલા ઉમેદવાર સોનલબેન પટેલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. અલગ અલગ મુદ્દાઓને લઇને કોંગ્રેસ લોકો સુધી પહોંચશે તેવુ તેમણે જણાવ્યુ છે. સોનલ પટેલે જણાવ્યુ કે બેરોજગારી, મોંઘવારી, યુવાઓના પ્રશ્નોને લઇને લોકો પાસે મત માગશે.
સોનલ પટેલ અનેક વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અગાઉ કોંગ્રેસ મહિલા પ્રમુખનું પદ સંભાળી ચુક્યા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પણ તેઓ લડી ચુક્યા છે. તેમનું કાર્યક્ષેત્ર નારણપુરામાં રહેલુ છે. અત્યારે મહારાષ્ટ્રના પ્રભારી તરીકે સોનલ પટેલ કામ કરી રહ્યા છે.