વ્લાદિમીર પુતિન સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. 15-17 માર્ચના રોજ યોજાયેલા મતદાનમાં તેમને 88% મત મળ્યા હતા. તેમના વિરોધી નિકોલે ખારીતોનોવને 4% મત મળ્યા હતા. વિરોધી વ્લાદિસ્લાવ દાવાનકોવ અને લિયોનીદ સ્લટસ્કી ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા છે.
પરિણામ જાહેર થયા બાદ પુતિને કહ્યું- હવે રશિયા વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બનશે. તેમણે રશિયા-નાટો વિવાદ અંગે પણ ચર્ચા કરી હતી. પુતિને કહ્યું- જો અમેરિકાની આગેવાની હેઠળના સૈન્ય સંગઠન નાટો અને રશિયા સામ-સામે આવશે, તો દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધથી એક પગલું દૂર હશે. મને નથી લાગતું કે કોઈને આવું કરવા માગશે. રશિયામાં છેલ્લા 24 વર્ષથી પુતિનનું શાસન છે.
2000માં પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા
પુતિન વર્ષ 2000માં પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ 2008 સુધી આ પદ પર રહ્યા હતા. 2012માં તત્કાલીન રાષ્ટ્રપતિ મેદવેદેવે તેમની પાર્ટીને પુટિનને ફરીથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કરવા કહ્યું. આ પછી પુતિન 2012ની ચૂંટણી જીતીને સત્તામાં પાછા ફર્યા. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ રાષ્ટ્રપતિ પદ સંભાળી રહ્યા છે.
પુતિન 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ બની શકે છે
રશિયન બંધારણમાં લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ સતત બે ટર્મથી વધુ રાષ્ટ્રપતિ બની શકે નહીં. આ કારણે, 8 મે, 2008ના રોજ, પુતિને તેમના પીએમ દિમિત્રી મેદવેદેવને રશિયાના રાષ્ટ્રપતિ બનાવ્યા અને પોતે પીએમ બન્યા. નવેમ્બર 2008માં દિમિત્રીએ રાષ્ટ્રપતિની મુદત 4 થી વધારીને 6 વર્ષ કરવા માટે બંધારણમાં સુધારો કર્યો.
આ પછી, 2012માં પુતિન ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ બન્યા. તેમણે સતત રાષ્ટ્રવાદને આગળ ધપાવ્યો અને દેશની જનતાને સોવિયેત સંઘવાળો પ્રભાવ પાછો મેળવવાના સપના દેખાડ્યા. 2014માં પુતિને ક્રિમીયા પર આક્રમણ કર્યું અને તેના પર કબજો કરી લીધો હતો.
જાન્યુઆરી 2020 માં, પુતિને બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિની બે મુદતની મર્યાદા નાબૂદ કરી. આ વાત સાચી સાબિત કરવા માટે પુતિને જનમત સંગ્રહ કરાવ્યો હતો.
આ સાથે પુતિન માટે 2036 સુધી રાષ્ટ્રપતિ રહેવાનો રસ્તો ખુલી ગયો. આ સાથે પુતિન લગભગ ત્રણ દાયકા સુધી સોવિયત યુનિયન પર શાસન કરનાર સ્ટાલિનથી આગળ નીકળી જશે.
રશિયાની રાજકીય વ્યવસ્થા કેવી છે?
રશિયાની સંસદ કે જેને ફેડરલ એસેમ્બલી કહેવામાં આવે છે તેના પણ ભારત જેવા બે ભાગ છે. ઉપલા ગૃહને ફેડરેશન કાઉન્સિલ અને નીચલા ગૃહને સ્ટેટ ડુમા કહેવામાં આવે છે. રશિયામાં રાષ્ટ્રપતિ પદ સૌથી શક્તિશાળી હોય છે.
ભારતમાં વડાપ્રધાનની જે ભૂમિકા હોય છે, તે રશિયામાં રાષ્ટ્રપતિની પાસે હોય છે. સત્તાના નામે બીજી સૌથી શક્તિશાળી વ્યક્તિ વડાપ્રધાન છે, ત્રીજી સૌથી શક્તિશાળી વ્યક્તિ ફેડરલ કાઉન્સિલ (ઉપલા ગૃહ)ના અધ્યક્ષ હોય છે.
4 વખત પુતિન વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ જાહેર થયા છે
ફોર્બ્સ અનુસાર, વ્લાદિમીર પુતિનને 2013 થી 2016 સુધી સતત ચાર વખત વિશ્વના સૌથી શક્તિશાળી પર્સન જાહેર કરવામાં આવ્યા હતા. વ્લાદિમીર પુતિનને રશિયાના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે છે. પુતિનની દીકરીઓની ગણના રશિયાની સૌથી અમીર છોકરીઓમાં થાય છે. આ સિવાય પુતિને રશિયન અબજોપતિઓના ગ્રુપ ‘ઓલિગાર્કી’ પર પણ પોતાની પકડ મજબૂત કરી છે.