ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન 3 દિવસ પછી 22 માર્ચથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં 10 ટીમ વચ્ચે લીગ તબક્કાની 70 મેચ રમાશે. આ સિવાય 4 પ્લેઑફ મેચ પણ રમાશે. 2022માં 48 હજાર કરોડ રૂપિયાના બ્રોડકાસ્ટ ડીલ બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે 2027માં 10 ટીમ વચ્ચે કુલ 94 મેચ રમાશે.
જો IPLમાં 94 મેચ રમાય તો ટુર્નામેન્ટ 3 મહિના સુધી ચાલી શકે છે. આનાથી BCCIને ફાયદો થશે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને નુકસાન થઈ શકે છે. જોકે, વૈશ્વિક રમતગમતમાં આ પહેલી ઘટના નહીં હોય જ્યારે ફ્રેન્ચાઈઝી આધારિત લીગનું વર્ચસ્વ વધ્યું હોય. ફૂટબોલ અને બાસ્કેટબોલમાં, પહેલાથી જ લીગ મેચનું આંતરરાષ્ટ્રીય મેચ પર પ્રભુત્વ છે. શું ક્રિકેટ પણ આ જ માર્ગ પર છે? ચાલો આપણે આગળ જણીએ.
બ્રોડકાસ્ટ ડીલ પછી મેચ વધારવાની પ્લાન બનાવ્યો
2022માં IPLની 16મી સિઝન પહેલાં, BCCIએ ટીવી અને ડિજિટલ રાઇટ્સ માટે રેકોર્ડ બ્રોડકાસ્ટ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. બોર્ડને 5 વર્ષની ટુર્નામેન્ટ માટે 48,390 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની બીજી સૌથી ધનિક લીગ બની ગઈ. અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ (NFL) નંબર વન પર છે.
બ્રોડકાસ્ટ ડીલ પછી જ BCCIએ નિર્ણય લીધો કે 2023 અને 2024ની સિઝનમાં 74 IPL મેચ થશે. 2025 અને 2026ની સિઝનમાં 84 મેચ રમાશે જ્યારે 2027ની સિઝનમાં 10 ટીમ વચ્ચે 94 મેચ રમાશે. આવી સ્થિતિમાં, એક ટીમ લીગ તબક્કામાં 18 મેચ રમશે અને 4 પ્લેઑફ સહિત કુલ 94 મેચ હશે.
જો મેચ વધશે તો ટુર્નામેન્ટનું ડ્યુરેશન પણ વધશે
હાલમાં, IPLની 74 મેચ 59 દિવસમાં યોજાય છે, એટલે કે મેચ લગભગ 2 મહિના સુધી ચાલે છે. છેલ્લી સિઝનનો દાખલો લઈએ તો એક દિવસમાં 18 વખત બે મેચ (ડબલ હેડર) કરાવવાની હતી. જો એક સિઝનમાં 94 મેચ રમાય તો સિઝન લગભગ 75 દિવસ એટલે કે અઢી મહિના સુધી ચાલી શકે છે.
જો સમય સાથે ડબલ હેડર મેચની સંખ્યામાં વધારો કરવામાં ન આવે તો, તમામ મેચ આયોજિત કરવામાં 80 થી 85 દિવસનો સમય લાગી શકે છે. વર્ષ 2028 સુધીમાં, જો ટુર્નામેન્ટમાં એક કે બે ટીમ પણ વધે છે, તો ટુર્નામેન્ટને પૂરી કરવામાં 90 દિવસ એટલે કે 3 મહિનાનો સમય લાગશે.
IPL સિવાય અન્ય ક્રિકેટ લીગ 27થી 45 દિવસમાં સમાપ્ત થાય છે. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ IPL પછી સૌથી લાંબી 50 દિવસ ચાલે છે.
પહેલી સિઝન 43 દિવસ સુધી ચાલી હતી
IPLની પ્રથમ સિઝન 2008માં શરૂ થઈ હતી. 8 ટીમની ટુર્નામેન્ટ 43 દિવસ સુધી ચાલી હતી, જેમાં દરેક ટીમ લીગ તબક્કામાં કુલ 14 મેચ રમી હતી. ટુર્નામેન્ટમાં 2 સેમિફાઈનલ અને ફાઈનલ સહિત કુલ 59 મેચ રમાઈ હતી. 2023માં ગત સિઝનમાં કુલ 74 મેચ રમાઈ હતી. 10 ટીમ વચ્ચેની ટુર્નામેન્ટ 59 દિવસ સુધી ચાલી હતી. જેમાં લીગ સ્ટેજની 70 મેચ અને પ્લેઑફની 4 મેચ રમાઈ હતી.