વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મુકામે ૨૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક પૂનમમાં પવિત્ર દિવસે સત્સંગસત્ર યોજવામા આવે છે. આજે પૂજ્ય અથાણાવાળા સ્વામીના મંડળના માધ્યમે ચતુર્થ સત્સંગસત્ર યોજવામાં આવ્યું હતુ જેમાં ૧૦૦૮ ભક્તોએ વિધિસર મહાપૂજાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. પૂર્ણાહુતિની આરતીમાં સંચારમંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણ , ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી , શુકદેવ સ્વામી નાર , વિવેક સ્વામી – સારંગપુર , ડો. સતિષ જાની સાહેબ , ડો સી એ ધ્રુવે સાહેબ વગેરે જીલ્લા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે , સંસદસભ્યશ્રીની ગ્રાંટમાંથી દેવુસિંહજીએ લાઈફ સપોર્ટ સાથેની સુવિધાયુક્ત “એમ્બ્યુસન્સ”નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેમા વર્તમાન પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને દેવુસિંહજી ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વડતાલ મંદિર નિશુલ્ક હોસ્પિટલ ચલાવે છે તેમા એક મહત્વની સેવાનો આરંભ થયો છે. ગુજરાતની ૧૦૮ની સેવા સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે. મોદી સાહેબના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. આરોગ્યક્ષેત્રમાં સહુને વિશિષ્ટ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે , એવી લાગણી સાથે મારી ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલંસ અર્પણ કરવાની તક મળી , એ મારૂ સૌભાગ્ય છે. આ શબ્દો લોકાર્પણ પ્રસંગે દેવુસિંહજીએ ઉચ્ચારેલા . સાથે કોરોના કાળની વડતાલ મંદિરની સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે ડો સંત સ્વામી અને ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. પુરાણી વિષ્ણુપ્રકાશ સ્વામીએ કથા આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી.