શ્રી સ્વામિનારાયણ ગાદીના સંતો અને હરિભક્તોએ નાનીસરસણ ગામમાં અંત્યેષ્ટિ સંસ્કાર ધામ ખાતે પાણીની ટાંકીનું કર્યું લોકાર્પણ તથા વૃક્ષારોપણ કર્યુ

By: nationgujarat
13 Feb, 2024

પૂર્વ ગુજરાતના મહિસાગર જિલ્લામાં આવેલા આદર્શ ગામ નાનીસરસણ અંત્યેષ્ટિ સંસ્કાર ધામ ખાતે જલધારા પાણીની ટાંકીનું લોકાર્પણ તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતો જલધારા પાણીનું લોકાર્પણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનો વિકાસ જંગલોની ગોદમાં થયો છે. આપણા ઋષિમુનિઓએ આ વૃક્ષોની છાયામાં બેસીને ધ્યાન કરીને મનુષ્યને જ્ઞાનનો ભંડાર આપ્યો છે. વૃક્ષો વાવવા એ માનવ સમાજની સાંસ્કૃતિક જવાબદારી છે. કારણ કે વૃક્ષો વાવવાથી આપણું જીવન સુખી અને સંતુલિત બને છે.

વૃક્ષ વાત્સલ્ય ધારાના લોકાર્પણના શુભ અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરુપદાસજી સ્વામી, શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી તથા દાતાશ્રી ધનજીભાઈ વિશ્રામભાઈ વરસાણી – ભારાસર, કચ્છ તેમજ ગામના સરપંચ સહિત અન્ય અગ્રણીઓ, ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. વળી, આ લીલુડો હરિયાળો અવસર હર્યોભર્યો કરવા અન્ય વન પ્રકૃતિ, પર્યાવરણ તેમજ સત્કાર્ય પ્રેમી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.


Related Posts

Load more