ઉત્તરાખંડ વિધાનસભામાં પાસ થયું UCC બિલ, ગૃહમાં લાગ્યા જય શ્રી રામના નારા, જાણો હવે શું બદલાશે

By: nationgujarat
07 Feb, 2024

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની સરકાર દ્વારા રજૂ કરાયેલ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

આ પ્રસ્તાવને 80 ટકા સહમતિથી મંજૂર કરવામાં આવ્યો

ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પસાર થયા બાદ ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. ભાજપના તમામ ધારાસભ્યોએ ધ્વનિત મતથી UCC બિલ પાસ કર્યું છે, આ પ્રસ્તાવને 80 ટકા સહમતિથી મંજૂર કરવામાં આવ્યો. ત્યારબાદ તમામ સભ્યોએ ગૃહમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

આ કાયદો કોઈની વિરુદ્ધ નથી: સીએમ ધામી

સીએમ ધામીએ ગૃહમાં કહ્યું કે, આજે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીને માત્ર આ ગૃહ જ નહીં પરંતુ ઉત્તરાખંડનો દરેક નાગરિક ગર્વ અનુભવી રહ્યો છે.

પ્રેસ કોન્ફરન્સ આપતાં સીએમ ધામીએ કહ્યું કે 12 ફેબ્રુઆરી 2022ના રોજ લેવાયેલો ઠરાવ આજે પૂરો થયો છે. આ બિલની સમગ્ર દેશ દ્વારા માંગ કરવામાં આવી હતી, જેને આજે દેવભૂમિમાં પસાર કરવામાં આવી હતી. લોકો જુદી જુદી વાતો કહેતા હતા પરંતુ આજે ચર્ચા દરમિયાન સ્પષ્ટ થઈ ગયું કે આ કાયદો કોઈની વિરુદ્ધ નથી.

ઉત્તરાખંડમાં હવે હલાલા અને ઈદ્દત પર પ્રતિબંધ રહેશે

ઉત્તરાખંડમાં UCC બિલ લાગુ થયા બાદ રાજ્યમાં એક કરતા વધારે લગ્ન પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. આ બિલ મુજબ જ્યાં સુધી પતિ-પત્નીમાંથી કોઈ એક જીવિત છે ત્યાં સુધી કોઈ પણ નાગરિક ફરીથી લગ્ન કરી શકશે નહીં. આ બિલ અનુસાર, જો રાજ્યમાં ‘લિવ-ઈન’ રિલેશનશિપમાં રહેતી મહિલાને તેના પતિ છોડી દે છે, તો તે તેની પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે છે.

ત્રીજી વ્યક્તિ સાથે લગ્ન કરવાની જરૂર રહેશે નહીં

આ સિવાય UCC બિલમાં હલાલા અને ઇદ્દત પર પણ પ્રતિબંધ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે છૂટાછેડા લીધેલા પતિ કે પત્નીના એકબીજા સાથે પુનઃલગ્ન કોઈપણ શરત વગર માન્ય રહેશે. પુનઃલગ્ન પહેલા તેમને કોઈ ત્રીજી વ્યક્તિ સાથે લગ્ન કરવાની જરૂર રહેશે નહીં.


Related Posts

Load more