રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર આજે રાજ્યસભામાં ચર્ચા થશે. રાજ્યસભામાં કવિતા પાટીદાર ચર્ચાની શરૂઆત કરશે. વિવેક ઠાકુર બીજા વક્તા હશે. રાજ્યસભામાં ચર્ચા માટે 14 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. પીએમ મોદી આજે બપોરે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે. આ પહેલા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
સૌથી પહેલા તો પીએમ મોદીએ પોતાના સંબોધનમાં મોંઘવારીથી લઈને નવા સ્ટાર્ટઅપ સુધીની દરેક વાતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓ પણ ગણાવી અને કહ્યું કે જ્યારે અમે ત્રીજી વખત સત્તામાં આવીશું ત્યારે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ત્રીજા સ્થાને હશે. ત્યારબાદ તેમણે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે તમે ગમે તેટલા પથ્થરો ફેંકશો, હું તે પથ્થરનો ઉપયોગ દેશના વિકાસ માટે કરીશ. વિપક્ષી લોકો નામદાર છે અને અમે કામદાર છીએ. અમે સાંભળતા રહીશું અને દેશને આગળ લઈ જઈશું.
પીએમએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોએ નેહરુની ભૂલોની ભારે કિંમત ચૂકવવી પડી છે. તેમનાથી ભૂલો થઈ હશે, પરંતુ અમારો પ્રયાસ ભૂલોને સુધારવાનો છે. આપણા માટે દેશ પ્રથમ આવે છે. જેમણે દેશને લૂંટ્યો છે તેણે તે પાછું આપવું પડશે. હું દેશવાસીઓને ગેરંટી આપું છું. દેશને લૂંટવા દેવામાં નહી આવે. જેણે લુંટ્યું છે તેણે તે પરત કરવું પડશે. દેશ સુરક્ષા અને શાંતિ અનુભવી રહ્યો છે. આજે દેશ સુરક્ષાના ક્ષેત્રમાં વધુ મજબૂત બન્યો છે. આતંકવાદ અને નક્સલવાદ નાના વિસ્તાર પૂરતો સીમિત છે. કોંગ્રેસની માનસિકતાએ દેશને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. કોંગ્રેસને ક્યારેય દેશની ક્ષમતામાં વિશ્વાસ નહોતો. તેઓ પોતાને શાસક માનતા રહ્યા. હંમેશા જનતાને ઓછો અંદાજ કર્યો.
તેમણે કહ્યું કે આજે દેશમાં જે ઝડપે કામ થઈ રહ્યું છે, કોંગ્રેસ સરકાર આ ઝડપની કલ્પના પણ કરી શકતી નથી. અમે ગરીબો માટે 4 કરોડ મકાનો અને શહેરી ગરીબો માટે 80 લાખ પાકાં મકાનો બનાવ્યાં છે. કોંગ્રેસની ગતિએ આ મકાનો બન્યા હોત તો શું થાત, આટલું કામ પૂરું થતાં 100 વર્ષ લાગ્યા હોત.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે અમારો ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણયોથી ભરેલો રહેશે. મેં ટીવી પર કહ્યું હતું અને રામ મંદિરના અભિષેક વખતે પણ હું દેશને આગામી હજાર વર્ષ સુધી સમૃદ્ધિના શિખરે જોવા માંગુ છું. ત્રીજો કાર્યકાળ આગામી 1000 વર્ષ માટે મજબૂત પાયો નાખવાનો હશે.