ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઓપન 2024નું મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું છે. રોહન બોપન્ના-મેથ્યુ એબ્ડેનની જોડીએ સિમોન બોલેલી અને એન્ડ્રીયા વાવાસોરીની ઇટાલિયન જોડીને 7-6, 7-5થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. 43 વર્ષની ઉંમરે, બોપન્ના પુરૂષ ટેનિસમાં ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો. તેણે જીન-જુલિયન રોજરનો રેકોર્ડ તોડ્યો, જેણે 2022માં માર્સેલો અરેવોલા સાથે ફ્રેન્ચ ઓપન મેન્સ ડબલ્સ ટ્રોફી જીતી હતી. બોપન્નાએ કારકિર્દીના અંતિમ તબક્કામાં પ્રથમ વખત પુરૂષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે.
રોહન બોપન્ના તાજેતરમાં મેન્સ ડબલ્સ રેન્કિંગમાં નંબર વન સ્થાને પહોંચી ગયો છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર માટે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી. રોહન બોપન્ના 43 વર્ષ અને 329 દિવસની ઉંમરે ચેમ્પિયન બન્યો છે. એબ્ડેનનું આ બીજું મેન્સ ડબલ્સ ટાઇટલ છે. આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયાના મેક્સ પરસેલ સાથે 2022માં વિમ્બલ્ડન જીતી હતી. રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો. આ પહેલા માત્ર લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિએ જ મેન્સ ટેનિસમાં ભારત માટે મોટા ખિતાબ જીત્યા છે, જ્યારે મહિલા ટેનિસમાં સાનિયા મિર્ઝાએ આ સિદ્ધિ મેળવી છે.
રોહન બોપન્ના 2013 અને ફરીથી 2023માં યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો, પરંતુ ફાઇનલમાં હારી ગયો હતો. રોહન બોપન્નાના નામે માત્ર એક ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે, જે તેણે કેનેડાની ગેબ્રિએલા ડાબ્રોવસ્કી સાથે 2017માં ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સમાં જીત્યો હતો.