શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પાયાથી આરંભીને અયોધ્યા અને રામ જન્મભૂમિ સાથેનો આત્મીય નાતો રહ્યો છે. તેથી પણ આગળ કહીએ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી પણ અયોધ્યામાં પ્રગટ થયા હતા. તેથી અયોધ્યા અને રામ જન્મભૂમિ તે સંબંધ તો સંપ્રદાયના પૂર્વકાળથી ચાલ્યો આવ્યો છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે શ્રી ઘનશ્યામ મહારાજ રૂપે બાળ લીલા કરતા હતા ત્યારે અયોધ્યામાં નિવાસ કરીને રહ્યા હતા. તે સમયે શ્રી રામ જન્મભૂમિ, હનુમાન ગઢી, કનક ભુવન, લક્ષ્મણ ભુવન વગેરે અસંખ્ય ઐતિહાસિક સ્થળોએ વારંવાર પધારતા હતા અને અનેક રૂપે દર્શન પણ આપતા હતા. વળી, ઐશ્વર્ય પરચા ચમત્કાર પણ બતાવતા હતા. આ પરમ પવિત્ર પ્રસાદીભૂત તીર્થસ્થાનમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા તા. ૨૨ માર્ચ ૧૯૭૩ના રોજ પધાર્યા હતા. એ અમૂલ્ય ઘડીએ ભગવાન શ્રીરામ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની બાળલીલાનું યશોગાન કર્યું હતું.
૨૭ સપ્ટેમ્બર ૧૯૮૯ ના રામશીલાનું પૂજન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે મણિનગર ધામે કર્યું હતું. તે સમયે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તથા માનનીય કે.કા. શાસ્ત્રીજી ઉપસ્થિત રહ્યા હતા.
વેદરત્ન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પણ ૭ એપ્રિલ ૨૦૧૫ ના રોજ અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિરના પથ્થરોના ઘડતર સ્થળે પધાર્યા હતા અને રામમંદિર જલ્દી નિર્વિઘ્નપણે થઈ જાય તેની સામૂહિક પ્રાર્થના કરી હતી. વળી રામ જન્મભૂમિ, કનક ભુવન, બૃહટ્ટા (રાયગંજ)માં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર તથા સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય સ્થાન, ભટેશ્વર મહાદેવ, રત્ન સિંહાસન, સુગ્રીવ કિલ્લા, બિરલા મંદિર, લક્ષ્મણ ભુવન, હનુમાન ગઢી, રામગલોલા આશ્રમ, વિદ્યાકુંડ વગેરે ઐતિહાસિક સ્થળોએ પધારીને ત્યાંના ઇતિહાસનું સ્મરણ કર્યું હતું અને ભગવાનની લીલાઓનું ગાન કર્યું હતું.
કે.એસ. સુદર્શનજી (આરએસએસના પ્રેસિડેન્ટ) અને અશોક સિંઘલજી (વિશ્વ હિન્દુ પરિષદના પ્રેસિડેન્ટ) નું ૩૦ જુલાઈ ૨૦૦૧ના રોજ ન્યુજર્સીના શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્વેત સાફો પહેરાવીને ખૂબ જ જાજરમાન સન્માન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી જ્ઞાનમહોદધિ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આરએસએસના વડા શ્રી મોહન ભાગવતના વરદ હસ્તે તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ માતબર દાન કર્યું હતું. જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પણ ૬૦૦ ઉપરાંતના સંતો ભક્તોના સંઘને સાથે લઈને તા. ૫/૧૦/૨૦૨૩ ના રોજ અયોધ્યા પધાર્યા હતા અને ઉપરોક્ત ઐતિહાસિક સ્થળોએ વિચરણ કર્યું હતું.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી સહિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અયોધ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ વિદેશના તમામ મંદિર પરિસરને દિવાળીના તહેવારની જેમ જ દીવા તથા લાઈટની રંગીન રોશની વિવિધ રંગોથી શણગારવામાં આવ્યા હતા. તેમજ મંદિરના પરિસરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પધરાવી આરતી, થાળ, તેમજ યજ્ઞયાગાદિથી પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું તેમજ દેશ વિદેશના હરિભક્તોએ પણ દીપ પ્રગટાવી હર્ષોલ્લાસથી શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવ્યો હતો.