રામ મંદિર માટે તૈૈયાર કરાયેલ 500 કિલોના વિશાળ નગારાનું સ્વામિનારાય ગાદી સંસ્થાના સંતોએ પૂજન કર્યુ.

By: nationgujarat
03 Jan, 2024

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. ગુજરાતથી ધ્વજા દંડને તૈયાર કરવામાં આવ્યો હતો. તો વળી ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવી છે. આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ નગારું ૫૬ ઈંચ ઊંચું તૈયાર કર્યું છે. જ્યારે તેનું વજન ૨૫ મણ છે. આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવનાર છે.

૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. વર્ષોથી જે ઘડીની રાહ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર છે. ત્યારે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળકાય નગારું તૈયાર કરાયું છે. ડબગર સમાજે તૈયાર કરેલ નગારાને ૧૪ જાન્યુઆરીએ અયોધ્યા લઇ જવામાં આવશે.

અયોધ્યામાં મંદિર બનીને તૈયાર છે ત્યારે ભગવાન શ્રીરામના મંદિરમાં ડબગર સમાજ દ્વારા તૈયાર કરેલ નગારું શોભા દે એ વિચાર સાથે અમદાવાદમાં ડબગર સમાજે મહાકાય નગારું તૈયાર કર્યું છે.

૫૦૦ કિલોનું આ નગારું ૫૬ ઇંચ ઊંચું છે. જેને ૨૦ કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે. દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈ ને કંઈ ભેટ આપી રહ્યા છે ત્યારે ડબગર સમાજના પ્રતીક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા દે એવી સમાજની ઈચ્છા છે. વર્ષો સુધી નગારાને કંઈપણ ના થાય એવી એની બનાવટ હોવાનો દાવો ડબગર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો મહાત્માઓએ અમદાવાદ ડબગર સમાજની વિનંતી સ્વીકારી, જ્યાં વિશાળ નગારું તૈયાર કરાયું છે એ ભોગીલાલ મગનલાલ એન્ડ સન્સની દુકાને પધાર્યા હતા. વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી વિશ્વમંગલદાસજી સ્વામી, શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી દ્વારા પુષ્પમાળા પહેરાવી, અક્ષત, કંકુ અને પુષ્પથી પૂજા વેદ મંત્રોનો ઉચ્ચાર સહ કરવામાં આવી હતી. અખિલ ભારત ડબગર સમાજ વતીથી મહાનગર અમદાવાદમાં દરિયાપુર ચાર રસ્તા આવેલ ભોગીલાલ મગનલાલ એન્ડ સન્સ દિનેશકુમાર, કલ્પેશકુમાર અને મિતેશકુમાર. તેમાંથી દિનેશકુમારે જણાવ્યું હતું કે, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ અહીં પધારી અમારી સેવાને બિરદાવી એ બદલ અમે તેઓશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. તેઓ સંતોની પધરામણી થતાં ખૂબ રાજી રાજી થઈ ગયા હતા અને સ્વીકાર કર્યો કે પહેલા વહેલા સંત – મહાત્માઓ અમારી સેવાની કદર માટે પધાર્યા છો તે બદલ અમે આપના ખૂબ ખૂબ ઋણી છીએ.


Related Posts

Load more