ગણતંત્ર દિવસ પર ભારતના મહેમાન બનશે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન,પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું

By: nationgujarat
22 Dec, 2023

2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હશે. તેમણે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકારી લીધું છે. અગાઉ કેન્દ્ર સરકારે યુએસ પ્રમુખ જો બિડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે જાન્યુઆરીમાં દિલ્હી આવવાની અસમર્થતા વ્યક્ત કરી હતી.

મેક્રોન ગણતંત્ર દિવસ પર ભારતની મુલાકાત લેનારા છઠ્ઠા ફ્રાન્સના નેતા હશે. તેમના પહેલા 1976માં ફ્રાન્સના વડા પ્રધાન જેક્સ શિરાક, 1980માં રાષ્ટ્રપતિ વેલેરી ગિસ્કાર્ડ ડી’એસ્ટિંગ, 1998માં રાષ્ટ્રપતિ જેક્સ શિરાક, 2008માં રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી, 2016માં રાષ્ટ્રપતિ ફ્રાન્કોઈસ ઓલાંદ પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા.

માહિતી અનુસાર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભવન દ્વારા માહિતી આપવામાં આવી  છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 26 જાન્યુઆરીએ ભારતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

પીએમ મોદીએ આ વર્ષે જુલાઈમાં ફ્રાન્સની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બેસ્ટિલ ડે (ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ)ની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને 2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે ભારત આવવા આમંત્રણ આપ્યું. બેસ્ટિલ ડે 14 જુલાઈ, 1789 ના રોજ બેસ્ટિલ, લશ્કરી કિલ્લો અને જેલના પતનને ચિહ્નિત કરે છે, જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેના પર હુમલો કર્યો અને તેના કેદીઓને મુક્ત કર્યા. ફ્રેન્ચ ક્રાંતિ પણ અહીંથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.


Related Posts

Load more