ફ્રી ફાયર ઈન્ડિયા છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ચર્ચામાં છે. ગેમિંગ લવર્સ લાંબા સમયથી આ ગેમના લોન્ચની અપેક્ષા રાખી રહ્યા છે. હાલમાં જ ફ્રી ફાયર ઈન્ડિયાને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવ્યું હતું, ત્યારપછી એવી ચર્ચા થઈ હતી કે તેને હવે લોન્ચ કરવામાં આવશે નહીં, પરંતુ હવે ફરી એકવાર તેને ગૂગલ પ્લે સ્ટોર પર એડ કરવામાં આવ્યું છે. હવે ફરી એકવાર ગેમિંગ લવર્સ માં તેના લોન્ચની આશા જાગી છે.
તમને જણાવી દઈએ કે ગેરેનાની આ બેટલ રોયલ ગેમ પર છેલ્લીવાર ફેબ્રુઆરી 2022માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેનું મેક્સ વર્ઝન હજુ પણ ગેમિંગ માટે ઉપલબ્ધ છે. પ્રતિબંધ પછી, ભારતમાં ફ્રી ફાયરને ફરીથી શરૂ કરવાના ઘણા અહેવાલો આવ્યા છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં, ગેરેનાએ તેને ભારતમાં ફરીથી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
ગેરેનાએ તેને 5 સપ્ટેમ્બર 2023ના રોજ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી પરંતુ બાદમાં કંપનીએ તેનું લોન્ચિંગ મુલતવી રાખ્યું હતું. તે સમયે કંપનીએ તેને મુલતવી રાખવાનું કારણ ટેકનિકલ ખામીઓ દર્શાવી હતી. ત્યારથી, ગેમ ડેવલપર્સ દ્વારા તેના લોન્ચને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી. તેને હાલમાં જ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવ્યું હતું પરંતુ હવે તેને ફરીથી સ્ટોરમાં ઉમેરવામાં આવ્યું છે.
ગૂગલ પ્લે સ્ટોર પર પાછા આવવાની સાથે, કંપનીએ તેમાં ઇન્સ્ટોલ બટનને પણ ઇનએબલ કર્યું છે. જ્યારે આ ગેમ ડેવલપર્સ દ્વારા લોન્ચ કરવામાં આવશે, ત્યારે તે આપમેળે સક્રિય થઈ જશે. આ સાથે તમે આ માટે પ્રી-રજીસ્ટ્રેશન પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ વખતે ગેરેનાએ લોકલ અનુભવ આપવા માટે રમતમાં ઘણી સ્પોર્ટસ હસ્તીઓના પાત્રોનો ઉપયોગ કર્યો છે. કંપનીએ થોડા દિવસો પહેલા રમત માટે એમએસ ધોની પર આધારિત થાલા પાત્રને પણ ટીઝ કર્યું હતું.