વ્યાજ દરમાં વધારો નહી, સતત પાંચમી વખત વ્યાજદર યથાવત રાખતી રીઝર્વ બેંક

By: nationgujarat
08 Dec, 2023

દેશમાં ફુગાવાની ચિંતા યથાવત રહેતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત પાંચમી દ્વિમાસિક મોનીટરી પોલીસી બેઠકમાં રેપોરેટ 6.5 ટકા યથાવત રાખવા નિર્ણય લીધો છે. બે દિવસ પહેલા શરૂ થયેલી બેઠકના અંતે આજે આરબીઆઇના ગવર્નર શકિતકાંતા દાસે સંબોધન કરતા જણાવ્યું કે આરબીઆઇનો હાલનો ટાર્ગેટ ખાદ્ય મોંઘવારીને આગળ વધવા ન દેવાનો છે અને તેથી જ જીડીપી ગ્રોથમાં સંતોષકારક સ્થિતિ હોવાને સાથે રેપોરેટ 6.5 ટકા યથાવત રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.

આરબીઆઇના પગલાથી હાલમાં બેંકોના વ્યાજદરમાં કોઇ તાત્કાલીન વધારો થશે નહીં પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ બેંકો દ્વારા હાલમાં જ અલગ અલગ ધિરાણ માટેના વ્યાજદરમાં થોડો વધારો કરાયો છે અને તેથી આજના નિર્ણયની બેંકો પર કોઇ મોટી અસર થવાની શકયતા નથી. શકિતકાંતા દાસે જણાવ્યું ફુગાવાનો દર 4 ટકાની આસપાસ રાખવાની આરબીઆઇની જે નીતિ છે તેને આગળ વધારતા તેને જાળવી રાખીને આરબીઆઇ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

સરકાર અને રિઝર્વ બેંક માટે ખાદ્ય મોંઘવારી હજુ પણ એક મોટો પડકાર છે. એક સર્વેમાં જણાવ્યા મુજબ ખાદ્ય પદાર્થોમાં ઉંચી કિંમતના પગલે ચાલુ માસમાં રીટેલ ફુગાવામાં વધારો થવાની શકયતા છે. અને તે આરબીઆઇ ક્ધફર્ટ લેવલથી પણ વધી શકે છે.

આરબીઆઇના ગવર્નર દ્વારા કરાયેલી જાહેરાતના પગલે હવે બેંકોના વલણ ઉપર નજર રખાઇ રહી છે. દાસે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2024 માટે વિકાસ દર 7 ટકા સુધી જઇ શકે છે. આરબીઆઇ આ સાથે તેનું 6.5 ટકાનું અનુમાન વધાર્યુ છે. તેઓએએ પણ જણાવ્યું કે ઘરેલું તેમજ આર્થિક ગતિવિધિઓ હાલ સામાન્યથી વધુ સંતોષકારક છે. રીઝર્વ બેંકે બેંકોને સલાહ આપી હતી કે તેઓએ લીકવીડીટીમાં સખ્તાઇ જાળવી રાખવી પડશે.

વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના સંકેત : શકિતકાંતા દાસનું મહત્વનું વિધાન
જોકે ભારતીય અર્થતંત્ર તેની ગતિ જાળવી રાખવા સફળ : શહેરી માંગ વધતા ગ્રામીણ ક્ષેત્રોને પણ ફાયદો
રીઝર્વ બેંકના ગર્વનર શકિતકાંતા દાસે મહત્વના વિધાનમાં જણાવ્યું કે વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના સંકેત છે. ભારતીય અર્થતંત્ર તેની ગતિ જાળવવામાં સફળ રહ્યું છે. આગામી સમયમાં વૈશ્વિક પરિસ્થિતિની અસર ભારત પર થઇ શકે છે. શકિતકાંતા દાસના આ વિધાનો મહત્વના છે.

તેઓએ એ પણ જણાવ્યું કે, ફુગાવો 5.4 ટકાની આસપાસ રહી શકે છે અને અમારો લક્ષ્યાંક 4 ટકાનો છે. તેઓએ જણાવ્યું કે શહેરી માંગ વધી રહી છે અને તેના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં ફાયદો થઇ રહ્યો છે. ખાદ્ય ફુગાવાને કારણે આરબીઆઇ તેની વર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે મકકમ છે.


Related Posts

Load more