ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે ચીનના રહસ્યમયી રોગ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય પ્રણાલીને અપડેટ કરવા કહ્યું છે. તેમજ હોસ્પિટલોને કોઈપણ મોટી બીમારીના ફેલાવા માટે તૈયાર રહેવા માટે સૂચવવામાં આવ્યું છે.
એડવાઈઝરી મુજબ હોસ્પિટલોમાં સ્ટાફ, બેડ, જરૂરી દવાઓ, ઓક્સિજન, એન્ટીબાયોટીક્સ, પીપીઈ કીટ, ટેસ્ટીંગ કીટ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રીએ તેમના નિર્દેશોમાં કહ્યું કે હોસ્પિટલોએ પણ ખાતરી કરવી જોઈએ કે તેમના ઓક્સિજન પ્લાન્ટ અને વૅન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે. સાથે જ સંક્રમણને રોકવા માટે બનાવવામાં આવેલાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ.
રહસ્યમયી બીમારી ઉપર અમારી નજરઃ હેલ્થ મિનિસ્ટ્રી
24 નવેમ્બરે હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે તેઓ ચીનમાં ફેલાઇ રહેલી રહસ્યમયી બીમારી ઉપર નજર રાખી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું- ચીનમાં બાળકોમાં H9N2 કેસ અને શ્વાસ સંબંધી રોગોના ફેલાવા પર નજીકથી નજર રાખી રહી છે.
બીમારીને ફેલાતી રોકવા માટે ચીનમાં સ્કૂલો બંધ
જોકે, 23 નવેમ્બરે ચીની મીડિયાએ શાળાઓમાં એક રહસ્યમયી રોગ ફેલાવવાની વાત કરી હતી. આ કારણે ચીનની રાજધાની બેઇજિંગની અને 500 માઈલ (લગભગ 800 કિમી)ની ત્રિજ્યામાં આવેલી તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ હતી. રોગના ફેલાવાને રોકવા માટે શાળાઓ બંધ કરવામાં આવી હતી. પીડિત બાળકોમાં ફેફસાંમાં બળતરા, આકરો તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળે છે.
દુનિયાભરમાં એલર્ટ
પ્રો-મેડ નામના સર્વેલન્સ પ્લેટફોર્મે ચીનમાં ન્યુમોનિયાને લઇને દુનિયાભરમાં એલર્ટ જાહેર કર્યું છે. આ પ્લેટફોર્મ મનુષ્યો અને પ્રાણીઓમાં ફેલાતા રોગો વિશે માહિતી રાખે છે. પ્રો-મેડે ડિસેમ્બર 2019માં કોરોનાને લઈને પણ એલર્ટ જાહેર કર્યું હતું.
પ્રો-મેડના અહેવાલ મુજબ, આ રોગ ક્યારે ફેલાવા લાગ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્લેટફોર્મે એવું પણ જણાવ્યું નથી કે આ રોગ માત્ર બાળકો પૂરતો મર્યાદિત છે કે યુવાનો અને વૃદ્ધોને પણ તેની અસર થઈ રહી છે.