અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને એકતરફી હાર આપી છે. ભારતે કટ્ટરહરિફ પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો છે. ભારતને મળેલા 192 રનના ટાર્ગેટને 30.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે 86 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 53* રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ જ્યારે હસન અલીને 1 વિકેટ મળી હતી.
ભારતની વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આ સતત આઠમી જીત છે. અગાઉ સાત વખત પણ ભારતને પાકિસ્તાન સામે એકતરફ જીત મળી છે. આ જીત સાથે જ ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું છે.
ટીમ ઈન્ડિયા પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર, NRR સારી રહે માટે જલદી ચેઝ કર્યો
ટીમ ઈન્ડિયાને 192 રનનો સામાન્ય ટાર્ગેટ મળ્યો હતો. ટીમે શરૂઆત શાનદાર કરી હતી. કેપ્ટન રોહિત અને શુભમન ગિલે સારી શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં 79 રન બનાવી લીધા હતા. ગિલ અને વિરાટની વિકેટ પડ્યા પછી પણ રોહિતે પોતાની રીતે ફટકાબાજી ચાલુ રાખતા વધુ એક અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાની જલદી ચેઝ કરવાની વ્યૂરચનાથી પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર ભારત પહોંચ્યું છે. ઉપરાંત પાછળથી પણ NRR સારી રહે તે માટે આ ટાર્ગેટને સરળતાથી ચેઝ કરી લીધો હતો.
અમદાવાદમાં ભારતે 18 વર્ષ પહેલાંની હારનો બદલો લીધો
વન-ડેની વાત કરીએ તો અમદાવાદમાં બંને ટીમ એક જ વખત વન-ડેમાં 12 એપ્રિલ 2005ના રોજ રમી હતી. ત્યારે પાકિસ્તાનના ઈન્ઝમામ-ઉલ-હકે સચિન તેંડુલકરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારી પાકિસ્તાનને ઐતિહાસિક જીત અપાવી હતી. ભારતે પહેલી ઈનિંગમાં સચિન તેંડુલકરના 123 રનની મદદથી 315/6(48)નો સ્કોર કર્યો હતો. પાકિસ્તાન તરફથી ઈન્ઝમામે 60* (59)ની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.
ત્યારે આજે વર્લ્ડ કપમાં અમદાવાદમાં બન્ને ટીમ ટકરાઈ હતી, અને ભારતે કટ્ટરહરિફ એવા પાકિસ્તાનને વિકેટે હરાવીને અમદાવાદમાં મળેલી હારનો 18 વર્ષે બદલો લીધો હતો.