ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેનું રમવું શંકાસ્પદ છે. ટીમ મેનેજમેન્ટ શુક્રવારે કેટલાક ટેસ્ટિંગ બાદ સ્ટાર બેટ્સમેનની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેશે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા તે બીમાર પડી ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે આ એક ભયાનક ફટકો માનવામાં આવી રહ્યો છે. જો કે તે પ્રથમ મેચ રમી શકશે કે નહી? આ મામલે સ્થિતિ સ્પષ્ટ નથી.
ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેને ગુરુવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. આ પછી, ડેન્ગ્યુ સંબંધિત પરીક્ષણો કરવામાં આવ્યા, જે પછી તેની સારવાર ચાલી રહી છે.
આ બાબત સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ ગિલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. શુક્રવારે ટેસ્ટિંગનો બીજો રાઉન્ડ કરવામાં આવશે. આ પછી જ નક્કી થશે કે શુભમન ગિલ કાંગારૂ ટીમ સામે રમશે કે નહીં.