પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલ પર લાઈવ શો દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા અને વકીલ શેખ મારવત અને નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનના સાંસદ અફનાન ઉલ્લાહ વચ્ચે મારામારી થઈ હતી. બંને અહીં ડિબેટ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને મારામારી પર આવી ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.
લાઈવ શોમાં મારપીટની આ ઘટના 27 સપ્ટેમ્બરે બની હતી. ચર્ચા દરમિયાન બંનેએ ભ્રષ્ટાચારના મુદ્દે દલીલો કરી હતી. શેખ મારવત એકાએક સીટ પરથી ઊભા થઈ ગયા અને તેની બાજુમાં બેઠેલા અફનાનને તમાચા ઝીંકી દીધા હતા. આ દરમિયાન શોના હોસ્ટ જાવેદ ચૌધરીએ બંનેને મારામારી ન કરવાની વિનંતી કરી હતી.
મારામારીમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સ્ટુડિયોમાં લાગેલો સ્ટિલ કેમેરા પણ રેકોર્ડ કરી શક્યો નહીં, કારણ કે બંને નેતાઓ લડતાં લડતાં સ્ટુડિયોના ખૂણે પહોંચી ગયા હતા અને ત્યાં કેમેરામાં રેકોર્ડ થયું નહીં.
બે વર્ષ પહેલાં આ જ શોમાં ખાનના પૂર્વ સલાહકારે સાંસદને થપ્પડ મારી હતી
જૂન 2021માં, તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાનના ભૂતપૂર્વ વિશેષ સહાયક ફિરદૌસ આશિક અવાને સાંસદ કાદિર ખાન મંડુખેલ સાથે ઝપાઝપી કરતા થપ્પડ મારી હતી. જ્યારે કાદિરે તાજેતરની ટ્રેન દુર્ઘટના જેમાં 67 લોકો માર્યા ગયા હતા અને દેશમાં ભારે વીજકાપનો ઉલ્લેખ કર્યો ત્યારે ફિરદૌસ ગુસ્સે થઈ ગયા હતા.
એપ્રિલ 2021માં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ પણ આ જ શોમાં તેમની કૂલ ગુમાવી હતી. તેમને કાશ્મીર મુદ્દે પૂછપરછ કરવામાં આવી હતી, જેના પછી તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા.
4 વર્ષ પહેલાં ખાનની પાર્ટીના એક નેતાએ લાઈવ ટીવી કાર્યક્રમમાં પત્રકારને માર માર્યો હતો.
જૂન 2019 માં, પીટીઆઈ નેતા મસરૂર અલી સિયાલે લાઈવ શો દરમિયાન કરાચી પ્રેસ ક્લબના પ્રમુખ ઈમ્તિયાઝ ખાન ફારાનને માર માર્યો હતો.
મસરૂર અને ઇમ્તિયાઝ આફતાબ મુગેરી સાથે શો ન્યૂઝ લાઇનમાં જોડાયા હતા. બંને વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. ગુસ્સામાં સિયાલે ઈમ્તિયાઝને માર માર્યો હતો. આ બે ઉપરાંત અન્ય બે મહેમાનોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા પત્રકારે બાળકને થપ્પડ મારી હતી
પાકિસ્તાનની એક મહિલા પત્રકારે ઈદના અવસર પર રિપોર્ટિંગ કરતી વખતે કેમેરાની સામે આવવા પર બાળકને થપ્પડ મારી હતી. વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે બાળક રિપોર્ટરને પરેશાન કરી રહ્યો હતો, જેના કારણે તેણે ગુસ્સો ગુમાવ્યો અને તેને થપ્પડ મારી દીધી. જોકે, કેટલાક યુઝર્સ તેને હિંસક પ્રતિક્રિયા ગણાવી રહ્યા હતા.