એશિયા કપ ફાઈનલમાં અધધધ… 15 રેકોર્ડ્સ બન્યા

By: nationgujarat
18 Sep, 2023

ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામે કોઈપણ ટીમનો આ સૌથી લોએસ્ટ સ્કોર સ્કોર છે. મોહમ્મદ સિરાજે માત્ર 21 રનમાં 6 વિકેટ લીધી હતી. એશિયા કપ ફાઈનલમાં કોઇપણ ખેલાડીની આ સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર છે.

સિરાજે એક જ ઓવરમાં 4 વિકેટ પણ લીધી હતી. તે એક જ ઓવરમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ ફાઈનલમાં બનેલા ટોપ રેકોર્ડ્સ આ સ્ટોરીમાં જાણીશું…

1. એશિયા કપમાં ભારતીય ખેલાડીની શ્રેષ્ઠ બોલિંગ
મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે એક ઓવર મેડન પણ ફેંકી હતી. એશિયા કપના ઈતિહાસમાં કોઈપણ ભારતીયની આ સર્વશ્રેષ્ઠ બોલિંગ છે. તેના પહેલા ઓફ સ્પિનર ​​અરશદ અય્યુબે 1988માં પાકિસ્તાન સામે 21 રન આપીને 5 વિકેટ લીધી હતી. ચાઈનામેન બોલર કુલદીપ યાદવે પણ આ જ એશિયા કપમાં પાકિસ્તાન સામે 25 રન આપીને 5 વિકેટ લીધી હતી.

2. શ્રીલંકા સામે શ્રેષ્ઠ બોલિંગ
મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે પાકિસ્તાનના વકાર યુનુસનો રેકોર્ડ તોડ્યો છે. વકારે 1990માં શારજાહાના મેદાનમાં 26 રન આપીને 6 વિકેટ લીધી હતી.

સિરાજ શ્રીલંકા સામે 6 વિકેટ લેનારો બીજો ભારતીય બન્યો હતો. તેના પહેલા આશિષ નેહરાએ 2005માં 59 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે આ પ્રદર્શન કોલંબોના મેદાન પર ઈન્ડિયન ઓઈલ કપની ફાઈનલમાં કર્યું હતું.

3. એશિયા કપ ફાઈનલમાં બીજી શ્રેષ્ઠ બોલિંગ
મોહમ્મદ સિરાજ એશિયા કપની ફાઈનલમાં 6 વિકેટ લેનારો બીજો ખેલાડી બન્યો છે. તેની પહેલા શ્રીલંકાના અજંથા મેન્ડિસે 2008માં ભારત સામે 13 રન આપીને 6 વિકેટ લીધી હતી.

જ્યારે સિરાજે વન-ડે ફોર્મેટમાં કોઈપણ ટુર્નામેન્ટની ફાઈનલમાં ચોથી શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. તેના પહેલા પાકિસ્તાનના આકિબ જાવેદે 1991માં ભારત સામે 37 રનમાં 7 વિકેટ લીધી હતી. તેના પછી અનિલ કુંબલેએ 12 રન અને અજંથા મેન્ડિસે 13 રનમાં 6-6 વિકેટ લીધી હતી.

4. સિરાજે માત્ર 16 બોલમાં 5 વિકેટ ઝડપી
મોહમ્મદ સિરાજે ઇનિંગમાં માત્ર 16 બોલમાં તેની 5 વિકેટ ઝડપી હતી. તેણે વન-ડેમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ લેવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. તેની પહેલા શ્રીલંકાના ચામિંડા વાસે પણ બાંગ્લાદેશ સામે 16 બોલમાં 5 વિકેટ ઝડપી હતી. ચામિંડા વાસે 2003માં આ પરાક્રમ કર્યું હતું.

5. એક ઓવરમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય
મોહમ્મદ સિરાજે પહેલી ઇનિંગની ચોથી ઓવરમાં 4 રન આપીને 4 વિકેટ લીધી હતી. તે વન-ડેની એક ઓવરમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. દુનિયામાં અત્યાર સુધી માત્ર 3 બોલર જ એક ઓવરમાં 4 વિકેટ લઈ શક્યા છે. સિરાજ સિવાય પાકિસ્તાનના મોહમ્મદ સામીએ 2003માં અને ઇંગ્લેન્ડના આદિલ રાશિદે 2019માં આ કર્યું હતું.

6. કોઈપણ ફાઈનલમાં સૌથી ઓછો સ્કોર
શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રન બનાવીને ભારત સામે ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સ્કોર કોઈપણ ટુર્નામેન્ટ ફાઈનલનો સૌથી નાનો સ્કોર છે. અગાઉ વર્ષ 2000માં ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં શ્રીલંકાએ ભારતને 54 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

T-20 ફોર્મેટની ફાઈનલમાં પણ આ સૌથી નાનો સ્કોર છે. 2017માં ડેઝર્ટ કપ ફાઈનલમાં આઇરિશ ટીમ 71 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

7. એશિયા કપ ફાઈનલમાં સૌથી ઓછો સ્કોર
એશિયા કપ ફાઈનલમાં શ્રીલંકાને સૌથી નાના સ્કોરનો રેકોર્ડ પણ બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ ભારતના નામે હતો. ટીમ ઈન્ડિયા 2008માં શ્રીલંકા સામે 173 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પહેલા એશિયા કપ ફાઈનલમાં શ્રીલંકાનો સૌથી ઓછો સ્કોર 1988માં આવ્યો હતો. ત્યારે ભારત સામે 176 રન બનાવીને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

8. એશિયા કપમાં સૌથી લોએસ્ટ સ્કોર
શ્રીલંકાને એશિયા કપમાં સૌથી લોએસ્ટ સ્કોરનો ખરાબ રેકોર્ડ પણ બન્યો છે. તેની પહેલા બાંગ્લાદેશની ટીમ વર્ષ 2000માં પાકિસ્તાન સામે 87 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમ પણ વર્ષ 1986માં પાકિસ્તાન સામે 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

9. ભારત સામે શ્રીલંકાનો સૌથી લોએસ્ટ સ્કોર
ભારત સામે પ્રથમ વખત શ્રીલંકાની ટીમ 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ પહેલા ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ શ્રીલંકાનો સૌથી ઓછો સ્કોર પણ આ વર્ષે જાન્યુઆરીમાં આવ્યો હતો. તિરુવનંતપુરમના મેદાન પર શ્રીલંકા 73 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

50 રનનો સ્કોર શ્રીલંકન ટીમનો વન-ડેમાં બીજો સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલા ટીમ 2012માં દક્ષિણ આફ્રિકા સામે 43 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

10. ભારત સામે કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર
વન-ડેમાં કોઈપણ ટીમનો સૌથી નાનો સ્કોર પણ ભારત સામે જ બન્યો હતો. શ્રીલંકા પહેલા બાંગ્લાદેશની ટીમ મીરપુર મેદાન પર 2014માં 58 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઝિમ્બાબ્વેનો વન-ડે ક્રિકેટમાં કોઈપણ ટીમનો સૌથી નાનો સ્કોર છે. 2004માં શ્રીલંકા સામે 35 રન બનાવીને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

11. બોલ બાકી રહેતા ભારતની સૌથી મોટી જીત
ટાર્ગેટને ચેઝ કરતા ભારતે સૌથી ઝડપી જીત હાંસલ કરી હતી. ભારતે શ્રીલંકાએ આપેલા 51 રનના લક્ષ્યાંકને માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ટીમે 263 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આ પહેલા 2001માં ભારતે કેન્યાને 231 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. ત્યારે ભારતે 11.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

12. વન-ડે ફાઈનલમાં સૌથી મોટી જીત
ભારતે વન-ડે ફોર્મેટમાં કોઈપણ ટુર્નામેન્ટની ફાઈનલમાં બોલ બાકી રાખીને સૌથી મોટી જીત નોંધાવી હતી. ભારતે 263 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. તેના પહેલા ઓસ્ટ્રેલિયાએ 2003માં ટ્રાઇ સિરીઝની ફાઈનલમાં ઇંગ્લેન્ડને 226 બોલ બાકી રાખીને હરાવ્યું હતું.

13. વન-ડે ફાઈનલમાં ભારત બીજી વખત 10 વિકેટથી જીત્યું
ટીમ ઈન્ડિયાએ વન-ડે ટુર્નામેન્ટની કોઈપણ ફાઈનલમાં બીજી વખત 10 વિકેટથી જીત મેળવી છે. ભારતે 1998માં ઝિમ્બાબ્વે સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 197 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારત સિવાય ઓસ્ટ્રેલિયાએ 2003માં ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું હતું.
14. ભારતે 10મી વખત 10 વિકેટથી જીત મેળવીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી
ભારતે આ એશિયા કપમાં બીજી વખત 10 વિકેટે જીત મેળવી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ નેપાળને પણ 10 વિકેટના અંતરથી હરાવ્યું હતું. ટીમે એકંદરે 10મી વખત વન-ડેમાં 10 વિકેટે જીત મેળવી. ભારતે વેસ્ટઈન્ડિઝના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. વેસ્ટઈન્ડિઝે 10 વન-ડેમાં પણ 10 વિકેટે જીત મેળવી છે.

15. બોલની દ્રષ્ટિએ સૌથી ટૂંકી વન-ડે ફાઈનલ
બોલ ફેંકવાના મામલે ભારત અને શ્રીલંકા વચ્ચે સૌથી ટૂંકી વન-ડે ફાઈનલ યોજાઈ હતી. એશિયા કપની ફાઈનલમાં માત્ર 129 બોલ રમાયા હતા. ભારતે 37 બોલ અને શ્રીલંકાએ 92 બોલ રમ્યા હતા.

સૌથી ટૂંકી વન-ડે મુજબ, આ મેચ ત્રીજા સ્થાને હતી. 2020માં નેપાળ અને અમેરિકા વચ્ચે રમાયેલી વન-ડે માત્ર 104 બોલમાં સમાપ્ત થઈ ગઈ હતી. 2001માં શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની વન-ડે મેચ માત્ર 120 બોલમાં પૂરી થઈ હતી.


Related Posts

Load more