અત્યાર સુધી યુદ્ધના મેદાનમાં લડી રહેલા રશિયા અને યુક્રેન હવે વિશ્વની સૌથી મોટી કોર્ટમાં એકબીજાની સામે ટકરાશે. રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારે સુનાવણી થવાની છે. હકીકતમાં, ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયન હુમલાના થોડા દિવસો બાદ યુક્રેને આ મામલો ICJમાં ઉઠાવ્યો હતો. યુક્રેનનું કહેવું છે કે રશિયા આ હુમલાને યોગ્ય ઠેરવીને આંતરરાષ્ટ્રીય કાયદાની મજાક ઉડાવી રહ્યું છે.
રશિયાએ યુક્રેનના આરોપ પર દાવો કર્યો છે કે તેણે યુક્રેનમાં નરસંહાર રોકવા માટે યુક્રેન પર હુમલો કરવાનો નિર્ણય લીધો હતો. હવે રશિયા આંતરરાષ્ટ્રીય કોર્ટ સમક્ષ પોતાનો દાવો રજૂ કરશે.
ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનને ‘સ્પેશિયલ મિલિટરી ઓપરેશન’ કહીને તેની સામે યુદ્ધની જાહેરાત કરી હતી. ત્યારથી બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેનમાં નરસંહાર થઈ રહ્યો છે અને તેનાથી લોકોને બચાવવાની જવાબદારી તેની છે.
યુક્રેન આ મામલો ઈન્ટરનેશનલ કોર્ટમાં લઈ ગયો હતો. યુક્રેન દલીલ કરે છે કે રશિયા પૂર્વી યુક્રેનમાં કથિત નરસંહારને રોકવા માટે આ હુમલો જરૂરી હોવાનું કહીને આંતરરાષ્ટ્રીય કાયદાનો દુરુપયોગ કરી રહ્યું છે.
રશિયાએ ઘણીવાર યુક્રેન પર નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયા ઈચ્છે છે કે ઈન્ટરનેશનલ કોર્ટ આ કેસને ફગાવી દે. આ મામલે 27 સપ્ટેમ્બર સુધી સુનાવણી થવાની છે. રશિયા એમ પણ કહે છે કે યુક્રેન તેની લશ્કરી કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે ગેરમાર્ગે દોરવા માટે આ કેસનો ઉપયોગ કરી રહ્યું છે.
જો કે યુક્રેનને આ વર્ષે માર્ચમાં ઈન્ટરનેશનલ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. કારણ કે પ્રારંભિક નિર્ણયમાં ICJએ રશિયાને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, રશિયાનું કહેવું છે કે આ મામલે કોઈપણ આદેશ જારી કરવો એ ઈન્ટરનેશનલ કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી આવતું. તે જ સમયે, યુક્રેનનું કહેવું છે કે ICJ આમાં દખલ કરી શકે છે. યુક્રેનની આ દલીલને વધુ 32 દેશોનું સમર્થન છે.
રશિયાએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયોની અવગણના કરી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો કોર્ટનો અંતિમ નિર્ણય યુક્રેનની તરફેણમાં આવે છે, તો તે ભવિષ્યમાં વળતર માટે દાવો કરી શકે છે.