એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 50 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ભારતીય ટીમને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી ઈશાન કિશન અને શુભમન ગિલે ઓપનીગ કરી હતી બંને ટીમને જીત માટે રસ્તો કલીઅર કરી આપ્યો અને અંતે ટીમ ઇન્ડિયાની મોટી જીત થઇ
શ્રીલંકાની ઇનિંગ… સિરાજનો તરખાટ, શ્રીલંકા 50 રનમાં જ ઓલઆઉટ
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય બોલરોએ શ્રીલંકાને 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત સામે કોઈપણ ટીમનો આ સૌથી લોએસ્ટ સ્કોર છે.
મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાને 3 વિકેટ અને જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી હાઇએસ્ટ રન સ્કોરર કુસલ મેન્ડિસ હતો, તેણે 17 રન બનાવ્યા હતા.
શ્રીલંકાએ બાંગ્લાદેશનો રેકોર્ડ તોડ્યો
ભારત વિરૂદ્ધ વન-ડેમાં કોઈપણ ટીમનો આ સૌથી લોએસ્ટ સ્કોર છે. આ પહેલા બાંગ્લાદેશનો ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર હતો. બાંગ્લાદેશની ટીમ 2014માં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વન-ડેમાં સૌથી ઓછો ઓવરઓલ સ્કોરનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. ઝિમ્બાબ્વેની ટીમ 2004માં શ્રીલંકા સામે 35 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
શ્રીલંકાના કોઈપણ બેટર 20ને પાર કરી શક્યા નહીં
શ્રીલંકાના બેટર ભારતીય ફાસ્ટ બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમનો કોઈપણ બેટર 20 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રનની ઇનિંગ રમી હતી જ્યારે દુશન હેમંથા 13 રન બનાવ્યા હતા.
પાવરપ્લે: શ્રીલંકાની ખરાબ શરૂઆત
પાવરપ્લેમાં શ્રીલંકાની ઇનિંગ્સ પત્તાના મહેલની જેમ ખરી પડી હતી.. ટીમે 10 ઓવરમાં 33 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. સિરાજે 5 અને બુમરાહે એક વિકેટ ઝડપી હતી. સ્થિતિ એવી હતી કે ટીમનો કોઈ બેટર્સ બે આંકડા સુધી પહોંચી શક્યો ન હતો.
સિરાજે ચામિંડા વાસના રેકોર્ડની બરાબરી કરી
મોહમ્મદ સિરાજે વન-ડે ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ લેવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સિરાજે 16 બોલમાં 5 વિકેટ લીધી હતી. શ્રીલંકાના ચામિંડા વાસે 2003માં બાંગ્લાદેશ સામે 16 બોલમાં 5 વિકેટ ઝડપી હતી.
આવી રીતે પડી શ્રીલંકાની વિકેટ…
પહેલી: પહેલી ઓવરના ત્રીજા બોલે જસપ્રીત બુમરાહએ ગુડ લેન્થ બોલ નાખ્યો, જે સ્વિંગ થયો અને કુસલ પરેરાથી એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે કેચ કર્યો હતો.
બીજી: ચોથી ઓવરના પહેલા બોલે સિરાજે ગુડ લેન્થ પર આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને પથુમ નિસાંકા કવર સાઇડ મારવા ગયો, પણ બોલ બેકવર્ડ પોઇન્ટ તરફ ગયો અને રવીન્દ્ર જાડેજાએ અદભુત ફ્લાઇંગ કેચ કર્યો હતો.
ત્રીજી: ચોથી ઓવરના ત્રીજા બોલે સિરાજે સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને સદીરા સમરવિક્રમા ડિફેન્ડ કરવા ગયો પણ મિસ થઈ જતા LBW આઉટ થયો હતો.
ચોથી: ચોથી ઓવરના ચોથા બોલે સિરાજે ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને ચરિથ અસલંકા કવર પર મારવા ગયો, પણ સર્કલની અંદર જ ઊભેલા ઈશાન કિશને કેચ કરી લીધો હતો.
પાંચમી: ચોથી ઓવરના છેલ્લા બોલે સિરાજે ફરી આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ બોલ નાખ્યો, જેને ધનંજય ડી સિલ્વા કવર પર મારવા ગયો અને એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે કેચ કર્યો હતો.
છઠ્ઠી: છઠ્ઠી ઓવરના ચોથા બોલે સિરાજે યોર્કર બોલ નાખ્યો, જે થોડો સ્વિંગ થયો, કેપ્ટન દાસુન શનાકા તેને રમી ન શક્યો અને બોલ્ડ થયો હતો.
સાતમી: 12મી ઓવરના બીજા બોલે સિરાજે લેન્થ બોલ નાખ્યો, જેને કુસલ મેન્ડિસ સીધો રમવા ગયો, પણ મિસ થઈ જતા બોલ્ડ થયો હતો.
આઠમી: 13મી ઓવરના ત્રીજા બોલે હાર્દિક પંડ્યાએ દુનિથ વેલ્લાગેને બાઉન્સર નાખ્યો, જેને વેલ્લાગે હુક શોટ મારવા ગયો, પણ વિકેટકીપર કેએલ રાહુલને કેચ આપી બેઠો હતો.
નવમી: 16મી ઓવરના પહેલા બોલે હાર્દિક પંડ્યાએ ગુડ લેન્થ બોલ નાખ્ચો, જેને પ્રમોદ મદુસન કવર ડ્રાઇવ શોટ મારવા ગયો, પણ એડ્જ વાગતા પહેલી સ્લિપમાં વિરાટ કોહલીએ શાનદાર કેચ કર્યો હતો.
દસમી: 16મી ઓવરના બીજા બોલે હાર્દિકે શોર્ટ બોલ નાખ્યો, જેને મથીશ પથિરાના પોઇન્ટ પરથી કટ શોટ મારવા ગયો પણ ત્યાં ઊભેલા ઈશાન કિશને કેચ કરી લીધો હતો.