27 સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વન ડે મેચને લઇ ટિકિટના ભાવ જાહેર

By: nationgujarat
16 Sep, 2023

આગામી 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. SCA દ્વારા આ મેચ માટેની ટિકિટના ભાવની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વર્ષે SCA દ્વારા પણ ટિકિટના ભાવ 1500થી લઇ 10,000 સુધી નક્કી કરવામાં આવ્યા છે.

ત્રણ પાર્ટ અનુસાર ટિકિટના ભાવ નક્કી કરાયા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ પર આગામી 27 સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન ડે મેચને લઇ ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ પાર્ટ પાડીને તે અનુસાર ટિકિટના ભાવ નક્કી કરાયા છે. એટલું જ નહીં આ મેચ માટે ખાસ કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યાં છે. જેમાં વીઆઇપી સગવડ સાથે ડિનર પણ મળશે. આ ટિકિટ વેચાણ આગામી 17 સપ્ટેમ્બરથી ઓનલાઈન Paytm એપ્લિકેશન પરથી શરૂ કરવામાં આવશે.

1500થી 10,000 સુધી ટિકિટના ભાવ જાહેર
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ માટે ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ 1, 2 અને 3 માટે ટિકિટના ભાવ 1,500 રૂપિયા જ્યારે વેસ્ટ સ્ટેન્ડનાં લેવલ 1 માટે 2,000 રૂપિયા જ્યારે લેવલ 2 અને 3 માટે 2,500 રૂપિયા તેમજ વેસ્ટ સ્ટેન્ડમાં કોર્પોરેટ બોક્સ (15 સીટ)નો ભાવ 10,000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ સિવાય સાઉથ પેવેલિયનમાં લેવલ-1 (ડિનર સાથે)નો ભાવ 8,500 રૂપિયા, લેવલ-2 (બ્લોક AથીD ) 8,500 રૂપિયા, લેવલ-3 ના 3,000 રૂપિયા ઉપરાંત કોર્પોરેટ બોક્સ (15 સીટ)ના 10,000 રૂપિયા રાખવામાં આવ્યા છે.

ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ
અત્યાર સુધીમાં રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 10 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 2 ટેસ્ટ, 5 T-20 અને 3 વન ડેનો સમાવેશ થાય છે. ગત 17 જાન્યુઆરી-2020ના રોજ ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ઓલઆઉટ કરી ભારતે શાનદાર જીત હાંસિલ કરી હતી. ત્યારે હવે આગામી 27 સપ્ટેમ્બરના રોજ ફરી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઇ રહેલી મેચથી રંગીલા રાજકોટવાસીઓ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


Related Posts

Load more