રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અહીં તેઓ 2491 કરોડ રૂપિયાના 90 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. રાજનાથ સિંહ સાંબામાં 422.9 મીટર લાંબા દેવક બ્રિજનું ઉદ્ઘાટન કરશે. અહીંથી તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 89 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર નિર્માણ થનાર ન્યોમા એરફિલ્ડનો સમાવેશ થાય છે. 218 કરોડના ખર્ચે બની રહેલા આ એરફિલ્ડ પરથી ફાઈટર જેટ્સ ટેક ઓફ અને લેન્ડ કરી શકશે. ખાસ વાત એ છે કે આ એરફિલ્ડ LACથી માત્ર 50 કિલોમીટર દૂર છે.
BRO પૂર્વ લદ્દાખના વ્યૂહાત્મક ન્યોમા પટ્ટામાં આ એર ફિલ્ડનું નિર્માણ કરશે. આ વિશ્વનું સૌથી ઊંચું એરફિલ્ડ હશે. આ માટે 218 કરોડનો અંદાજીત ખર્ચ રાખવામાં આવ્યો છે. વ્યૂહાત્મક રીતે આ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે તેના નિર્માણથી LACની નજીક ફાઇટર ઓપરેશન શક્ય બનશે. આ સાથે લદ્દાખમાં આ ત્રીજું ફાઈટર એરબેઝ હશે. આ પહેલા લેહ અને થોઇસમાં એરબેઝ છે.
– સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાંબાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ એર ફિલ્ડનો શિલાન્યાસ કરશે. હાલમાં, ન્યોમા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો ઉપયોગ 2020 થી ચીન સાથે ચાલી રહેલા સ્ટેન્ડઓફ દરમિયાન સૈનિકો અને અન્ય સાધનોના પરિવહન માટે કરવામાં આવે છે. ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને C-130J એરક્રાફ્ટ પણ અહીંથી ટેકઓફ અને લેન્ડિંગ કરી રહ્યાં છે.હવે અહીં એક એવું એરફિલ્ડ બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં ફાઈટર પ્લેન પણ લેન્ડ થઈ શકશે. આ એરફિલ્ડના નિર્માણ બાદ લદ્દાખમાં એર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો વેગ મળશે અને આપણી ઉત્તરી સરહદો પર એરફોર્સની ક્ષમતામાં વધારો થશે.