ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌથી મોટું સેટલમેન્ટ

By: nationgujarat
09 Sep, 2023

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરાયું છે. ત્યારે નેશનલ લૉ સર્વિસના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પણ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકઅદાલતમાં વર્ષ 2014માં અકસ્માતે મૃત્યુ પામેલા ખાનગી કંપનીના મેનેજરના પરિવારજનોએ ઇન્શ્યોરન્સ કંપની સામે ભરૂચની ટ્રિબ્યુનલમાં તમામ ખર્ચ જોતાં 3.94 કરોડનો દાવો દાખલ કર્યો હતો, જે કેસમાં આજે લોકઅદાલતમાં ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌથી મોટું સેટલમેન્ટ થયું છે. એમાં મૃતકનાં પરિવારજનને IFFCO વીમા કંપનીએ 5.40 કરોડનો ચેક આપ્યો છે. ઉપરાંત 170 જેટલા કેસો આજની લોકઅદાલત અંતર્ગત ચાલશે.

ડ્રાઇવરની બેદરકારીથી અકસ્માત થયો હતો
આ કેસમાં વર્ષ 2014માં ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ભરૂચના પ્રકાશભાઈ વાઘેલા અમદાવાદ એરપોર્ટથી વડોદરા જતા હતા. જ્યાં નારોલ ટોલ પ્લાઝા ખાતે ડ્રાઇવરના બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગથી ટ્રક સાથે અકસ્માત થતાં 40 વર્ષીય પ્રકાશભાઈ વાઘેલાનું નિધન થયું હતું. એની સામે પરિવારજનોએ ઇન્શ્યોરન્સ કંપની સામે ભરૂચની ટ્રિબ્યુનલમાં તમામ ખર્ચ જોતાં 3.94 કરોડનો દાવો દાખલ કર્યો હતો.

મૃતકનું વાર્ષિક પેકેજ 31 લાખ રૂપિયા હતું
અકસ્માતમાં મૃતક પ્રકાશભાઈ વાઘેલા બી. ટેકની ડીગ્રી ધરાવતા હતા, જેમનું વાર્ષિક પેકેજ 31 લાખ રૂપિયાનું હતું. તેમની ઉપર પત્ની, બે સગીર પુત્ર અને માતા-પિતાની જવાબદારી હતી. 2014માં અરજીની તારીખથી હુકમની તારીખ સુધી 9%ના વ્યાજ પર રૂ. 6,31,35,000ની દાવા અરજી દાખલ કરી હતી, જેની સામે વીમા કંપનીએ વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી એડવોકેટ હિરેન મોદી અને ક્રિતી પાઠકના સહયોગથી રૂ. 5,40,45,998 ચૂકવવા સંમત થયા હતા. આ રકમ અરજદારના ખાતામાં 4 અઠવાડિયાંમાં જમા થશે.

પ્રથમ વખત રાષ્ટ્રીય લોકઅદાલતમાં મોટું સેટલમેન્ટ
આજની લોકઅદાલતમાં ગુજરાત હાઇકોર્ટમાં 5.40 કરોડ રૂપિયાના કેસનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાઇકોર્ટનાં ચીફ જજ સુનિતા અગ્રવાલ ઉપસ્થિત રહેવાનાં હતાં, પરંતુ તેઓ ઉપસ્થિત રહી શક્યાં નહોતાં. જ્યારે આ પ્રસંગે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જજ એન. વી. અંજારિયા, હાઈકોર્ટ લીગલ સર્વિસીઝ કમિટીના ચેરમેન જજ બિરેન વૈષ્ણવ તથા સેક્રેટરી બી.એચ. ઘાસુરાના માર્ગદર્શનમાં હાઈકોર્ટ લીગલ સર્વિસીઝ કમિટીના સહકારથી પ્રથમ વખત રાષ્ટ્રીય લોકઅદાલતમાં વીમા કંપની IFFCO ટોકિયોએ 5.40 કરોડનું સેટલમેન્ટ કર્યું છે.


Related Posts

Load more