આફ્રિકન યુનિયન શનિવારે ભારતની G20 અધ્યક્ષતા હેઠળ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોના જૂથનું કાયમી સભ્ય બની ગયું છે. 1999 માં G20 ની સ્થાપના થઈ ત્યારથી આ જૂથનું પ્રથમ વિસ્તરણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય G20 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા 55 દેશોના આફ્રિકન યુનિયનને નવા સભ્ય તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને તમામ સભ્ય દેશોએ સ્વીકારી લીધો હતો. 10 સપ્ટેમ્બર સુધી ચાલનારી સમિટમાં વિશ્વભરના નેતાઓ દ્વારા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.
G-20 સમિટ દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ જો બિડેન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ અને ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની હાજરીમાં ‘ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ’ની શરૂઆત કરી.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે G-20 નેતાઓ દ્વારા આજે સંમત થયેલી ઘોષણા મજબૂત ટકાઉ, સંતુલિત અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. તે SDGs (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ) પર પ્રગતિને વેગ આપવાનો પ્રયાસ કરશે.
નવી દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટના પહેલા જ દિવસે એક સંયુક્ત ઘોષણા પર સંમતિ સધાઈ છે. વડાપ્રધાન મોદીએ શનિવારે બીજા સત્રની શરૂઆતમાં અધ્યક્ષ તરીકે આ માહિતી આપી હતી. આ પછી તેમણે તમામ સભ્ય દેશોની સહમતિથી નવી દિલ્હી ઘોષણાપત્ર પસાર કર્યું.
ઘોષણા પસાર કર્યા પછી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે તમામ દેશોએ નવી દિલ્હી ઘોષણાનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું- તમામ નેતાઓએ સ્વીકાર્યું છે કે G20 રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ નથી. દરેક વ્યક્તિએ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.
આ ઘોષણાપત્રમાં 4 વખત યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમને પડકારજનક સમયમાં અધ્યક્ષતા મળી. G20ની સંયુક્ત ઘોષણા 37 પાનામાં છે. તેમાં કુલ 83 ફકરા છે. તેને નવી દિલ્હી ઘોષણાપત્ર કહેવામાં આવે છે.
પીએમ મોદીએ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ લોન્ચ કર્યું. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઈટાલીના રાજ્યોના વડાઓ પણ હાજર રહ્યા હતા. આ પછી પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કનેક્ટિવિટી વધારવી એ ભારત માટે પ્રાથમિકતા છે.