ગુ.ભાજપના એક નિર્ણયથી કેટલાય નેતાના સપના તુટી ગયા જાણો કારણ

By: nationgujarat
06 Sep, 2023

ગુજરાત ભાજપનો એક નિર્ણય અને કેટલાય કોર્પોરેટરોના ચહેરા પર ખુશી આવી ગઇ. તો કેટલાક રિપીટ થવાની રાહમાં રહેલા પદાધિકારીઓની આશા ધૂળધાણી થઇ ગઇ. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી પાલિકા અને કોર્પોરેશનમાં નિમણૂકમાં નો-રિપીટ થિયરીની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વધુથી વધુ લોકોને તક મળશે. સામાન્ય બેઠક પર સામાન્ય વર્ગમાંથી આવતા લોકોને પ્રાયોરિટી અપાશે. દરેક કાર્યકરની સિનિયોરિટી, આવડત, આક્ષેપ વગેરેને ધ્યાનમાં લેવાશે. તથા કાર્યકર વિરુદ્ધ થયેલા આક્ષેપની ચકાસણી કરવામાં આવશે. પ્રદેશ ભાજપના નિર્ણયથી હવે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદ માટે દાવેદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં મહિલા મેયર માટે દાવેદાર ગીતાબેન પટેલ રેસમાંથી બહાર
નો રિપીટ થિયરીના પગલે હવે અમદાવાદ મનપામાં મહિલા મેયર તરીકે સૌથી સિનિયર મહિલા કોર્પોરેટર અને હાલના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ રેસમાંથી બહાર નીકળી ગયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ બંને ચેરમેન પદના દાવેદાર હતા પરંતુ નો રિપીટ થિયરીના પગલે હવે તેઓને ફરી રિપીટ કરાશે નહિ. તો નવા બનેલા કોર્પોરેટરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદના દાવેદાર તરીકે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર અને વોટર સપ્લાય કમિટિના ચેરમેન જતીન પટેલ અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈની દાવેદારી મજબૂત બની છે. જોકે કોઈ અન્ય સિનિયર કોર્પોરેટરને પણ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે બેસાડવામાં આવી શકે છે. જ્યારે મેયર તરીકે કોઈ પાટીદાર મહિલાને મેયર તરીકે મુકવામાં આવી શકે છે. જો પાટીદાર મહિલા મેયર તરીકે બેસાડવામાં આવશે તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે OBC કોર્પોરેટરની પસંદગી થવાની શક્યતા છે. અથવા બંને જગ્યાએ સામાન્ય વર્ગના જ કોર્પોરેટરને નિમણૂક કરવામાં આવી શકે છે. શાસક પક્ષના નેતા તરીકે પણ નવા કોર્પોરેટરને તક મળી શકે છે.

રાજકોટના 22માં મેયર તરીકે નિયુક્તિ માટે કાઉન્ટ ડાઉન શરૂ
તો રાજકોટ શહેરના 22માં મેયર તરીકે નિયુક્તિ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. મેયર પદ માટે મહિલા અનામત હોવાથી 6 જેટલા નામો ચર્ચામાં છે. જયારે સ્ટેન્ડિંગ ચેરમેન માટે પણ 6 નામો ચર્ચાઇ રહ્યા છે. જોકે એક વાત એવી પણ હતી કે વર્તમાન મેયર નિર્વિવાદિત હોવાથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે ભલામણ થઇ છે. પરંતુ હવે સી.આર.પાટીલની નો-રિપીટ થિયરીની જાહેરાતથી આ ચર્ચાને પૂર્ણવિરામ લાગી ગયું છે. આ બધા વચ્ચે ભાજપ દ્વારા ચર્ચાતા નામોમાંથી કોઈ એકની પસંદગી કરશે કે પછી શહેર ભાજપના પ્રમુખ નામની જેમ મેયરના નામમાં પણ સરપ્રાઇઝ આપશે તે જોવું મહત્વનું રહેશે.


Related Posts

Load more