મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. પત્રિકા કાંડમાં નામ બહાર આવનારા જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા બાદ તપાસનો રેલો પૂરો થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જો કે, આ પત્રિકા મુખ્યમંત્રી કાર્યાલયમાં લાંબા સમયથી ફરજ બજાવતા સંયુક્ત સચિવ પરિમલ શાહના કાર્યાલયમાં જ આ પત્રિકા અંગેની સ્ક્રીપ્ટ ઘડાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, પ્રધાનમંત્રી કાર્યાલયમાં સચિવ સ્તરેથી પરિમલ શાહને રવાના કરવાની સુચના આવતાં ગુજરાત સરકારે આ અંગે નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કેતકી વ્યાસ સાથે પણ તાર હોવાની ચર્ચા
આ ઉપરાંત તત્કાલીન આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીનું સ્ટીંગ ઓપરેશન કરનારા મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સાથે પણ પરિમલ શાહના તાર જોડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ, પરિમલ શાહને પાણીચું આપવાના નિર્ણય બાદ સીએમઓમાં ઓએસડી તરીકે ફરજ બજાવતાં એ. બી. પંચાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જો કે, આ અંગે સરકારમાંથી એક પણ અધિકારી સત્તાવાર રીતે કોઈ બોલવા તૈયાર નથી.