સાળંગપુરમાં ભગવાન હનુમાન દાદાને લઈને વિવાદનો સ્તર સતત વધતો જાય છે. ત્યારે હવે રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ આ મામલે મેદાને આવીને ભીંતચિત્રો હટાવવા માગ કરી છે. રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, મંદિરનો પુજારી હોય તો તેને પુજારી તરીકે રહેવાય એ એમ કહે કે હું ભગવાન છું તે ન ચાલે. તેમજ વડોદરામાંથી સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.જ્યોતિર્નાથ બાબા કહ્યું કે, આવતીકાલે એક બેઠક સંતોની થવા જઈ રહી છે અને ત્યાર પછી નક્કી કરાશે તેની ઉપર આગળની કાર્યવાહી. તો બીજી તરફ સુરતથી પણ કરણી સેનાએ અલ્ટીમેટમ આપ્યું અને જો આ ચિત્રો હટાવવામાં નહીં આવે તો ધર્મયુદ્ધ છેડશે અને પરિણામ સારું નહીં આવે તેવા નિવેદનો સામે આવી રહ્યા છે.
ભીંતચિત્રોને લઈ વિવાદ સર્જાયો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાતો મુદ્દો એક માત્ર સાળંગપુર મંદિરનો છે. જ્યાં હનુમાનજી મહારાજના કેટલાક ભીંતચિત્રોને લઇ વિવાદ સર્જાયો છે. જેના કારણે ઠેર ઠેર લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ આ મામલે નિવેદન આપી ભીંતચિત્રો હટાવવા જોઈએ તેવી માગ કરી છે.
ભીંતચિત્રો દૂર કરવા જોઇએ તેવું મારુ માનવું: સાંસદ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું મારૂતિનંદનનો ભગત છું, તેનું સન્માન જાળવવું જોઇએ. કોઈ મંદિરનો પુજારી હોય તો તેને પુજારી તરીકે રહેવાય એ એમ કહે કે હું ભગવાન છું તો તે ન ચાલે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે તો આ ભીંતચિત્રો દૂર કરવા જોઈએ તેવું મારું માનવું છે. શંકરાચાર્યથી કોઇ મોટું નથી તેની અપીલ સૌ લોકોએ માનવી જોઈએ. હિન્દુ સમાજમાં ભાગ પડે અને અન્ય લોકોને તેનો લાભ થાય તેવું ન કરવું જોઇએ.