રાજ્યમાં સતત બીજા દિવસે દારૂના નશામાં કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના શહેરના ખત્રીવાડ વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે રાત્રે 2 વાગ્યે પૂરપાટ ઝડપે જતી કારે બે કાર અને 3 ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. આ બાદ કાર દિવાલ સાથે અથડાઈને ઊભી રહી હતી. અકસ્માત બાદ કાર ચાલક વાહન મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે.વિગતો મુજબ, નવસારીમાં મોડી રાત્રે 2 વાગ્યે જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બેફામ કાર હંકારનારા ચાલકે બલેનો કારને બે કાર અને ત્રણ ટુ-વ્હીલર સાથે ટક્કર મારી હતી. જેમાં કારને મોટું નુકસાન થયું હતું. તો કારમાંથી બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા હતા. મોડી રાત્રે અકસ્માત થયો હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે અકસ્માત સર્જીને ચાલક ફરાર થઈ ગયો હતો. એવામાં હાલ પોલીસે અકસ્માત સર્જનારા ચાલકની તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે નડિયાદમાં પણ કોલેજ રોડ પર આ રીતે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં દારૂ પીને બેફામ કાર હંકાવનારા ચાલકે પેડલ રીક્ષા અને કારને અડફેટે લીધી હતી. જેમાં હાથ લારી ચાલક ફંગોળાઈને પડતા તેને ઈજા પહોંચી હતી. તો કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ત્યારે હવે સતત બીજા દિવસે દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.
સ્ટોરી – હિતેષ વઘેરા – નવસારી