શહેરમાં વધુ એક વખત નશાના ધંધાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાંથી કોકેનનો ગેરકાયદે વેપાર ચલાવતા બે શખસ અને કોકેન ડ્રગ્સની ડિલિવરી આપવા આવનાર વિદેશી મહિલાને ચાર લાખથી વધુની કિંમતના 50.750 ગ્રામ કોકેનના જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે. પોલીસ તપાસમાં આ મહિલા એક ટ્રિપના 10 હાર લેતી હતી. અમદાવાદના શાલીન શાહ અને આદિત્ય પટેલ 4 વર્ષથી મિત્રોને રેવ પાર્ટી કરાવવા યુગાન્ડાથી કોકેઇન મગાવતા હતા. જેની ડિલિવરી કરવા મહિલા આવતી હતી. આ મહિલા અત્યારસુધી યુગાન્ડાથી અમદાવાદ કોકેનની ડિલિવરીની 10 ટ્રીપ કરી ચૂકી છે.
પોલીસે મહિલા પાસેથી કોકેનનો જથ્થો કબજે કર્યો
પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાંચે અલગ અલગ ટીમો બનાવીને નશીલા પદાર્થોનું વેચાણ કરતાં શખસોને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે ભુદરપુરા ચાર રસ્તાથી રેડિયો મીર્ચી તરફ જતા રોડ ઉપર આવેલા બંગલા પાસે જાહેર રોડ ઉપરથી શાલીન શાહ, આદિત્ય ઉર્ફે બ્લેકી પટેલ અને આફ્રિકન મહિલા અસીમુલ ઉર્ફે કેલી જેમ્સ રિચેલને કોકેન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શાલીન શાહ, આદિત્ય પટેલ મહિનામાં એક-બેવાર પાર્ટી કરતા
ક્રાઈમ બ્રાંચના હાથે પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી શાલીન શાહ, આદિત્ય પટેલ તથા તેના મિત્ર વર્તુળના વ્યક્તિઓ છેલ્લાં ચાર વર્ષથી મહિનામાં એકથી બેવાર કોકેન પાર્ટી કરવા અલગ-અલગ જગ્યાએ ભેગા થાય છે. આ તમામ લોકો કોકોન ડ્રગ્સનો નશો કરે છે. પકડાયેલ આરોપીઓ રૂપિયા લઈ પાર્ટીમા આવનારને કોકેઇન ડ્રગ્સ આપે છે. આદિત્ય શાહ મુંબઈમાં રહેતા સિલ્વેસ્ટરને ડ્રગ્સનો ઓર્ડર આપતો અને સિલ્વેસ્ટર મુંબઈથી કોઈ પેડલર મારફત કોકેન અમદાવાદ ડ્રગ્સ પહોંચાડતો.
યુગાન્ડાની મહિલા અસીમુલ રીચેલનો સિલ્વેસ્ટરનો સંપર્ક કરી તેના અન્ય એક સાથી લિવિંગસ્ટોન મારફતે અસીમુલ રિચેલને મુંબઈ ખાતે ડ્રગ્સ પહોંચાડતો. ત્યારબાદ તે મહિલા ડ્રગ્સ લઈ અમદાવાદ આવી ડ્રગ્સની ડિલિવરી કરી રોકડા રૂપિયા લિવિંગસ્ટોનને આપતી, જેમાં મહિલાને એક ડ્રગ્સની ટ્રિપ મારવાના 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતા.