છત્તીસગઢ પહોંચેલા કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, પીએમ મોદી કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? કોંગ્રેસે ખોલેલી શાળાઓમાં મોદી અને શાહ ભણીને નેતા, ધારાસભ્ય, મંત્રી અને વડાપ્રધાન બન્યા. મોદીને દેશના નંબર વન નેતા કહેવામાં આવે છે, પરંતુ તેઓ સંસદમાં મણિપુર વિશે કશું બોલતા નથી.
જાંજગીર ચંપામાં રવિવારે આયોજિત ‘ભરોસે કા સંમેલન’ માં મલ્લિકાર્જુન ખડગે પ્રથમ વખત છત્તીસગઢ પહોંચ્યા હતા. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે, અધ્યક્ષ બન્યા બાદ તેમને હિમાચલ અને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી મળી હતી, જેમાં જનતાએ બહુમતી આપી હતી. તેમાં છત્તીસગઢના લોકોએ મને તાકાત આપી છે. હું 11 ઓગસ્ટે છત્તીસગઢ આવવાનો હતો, પરંતુ સંસદમાં એક મોટી ઘટનાની ચર્ચા થવાની હતી, તેથી આજે આવ્યો છું.
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે, મણિપુરમાં 200થી વધુ લોકોના મોત થયા છે, 500થી વધુ લોકો ઘાયલ છે. 5000 થી વધુ ઘર બળી ગયા છે. રાહુલ ગાંધી ત્યાં ગયા હતા. બાળકો, મહિલાઓ અને લોકો સાથે મુલાકાત કરી હતી. તેમણે ત્યાંની પરિસ્થિતિ મીડિયામાં જાહેર કરી.
કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું તેવા સવાલ પર ખડગેએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, મોદી અને શાહ જ્યાં પણ ભણ્યા હતા, તેઓ અમારી શાળામાં જ ભણ્યા હતા. શું તે લંડન ભણવા ગયા હતા? અને તેઓ અમને પૂછે છે કે અમે 70 વર્ષમાં શું કર્યું. તમને ભણાવ્યા, મંત્રી-મુખ્યમંત્રી બનાવ્યા અને હવે વડાપ્રધાન. એટલું નાટક કરે છે કે, નાટક કંપનીમાં જોડાવાને બદલે કદાચ સંસદમાં આવી ગયા.