Gujarat Government Debt : દેવું કરવું તો ઓછું કેમ કરવું. ગુજરાતની વિકાસશીલ સરકાર દેવું કરીને ઘી પી રહી છે. પહેલાંની સરકારે ઓછું દેવું કર્યું નથી તો આ સરકાર કેમ પાછળ રહે એમ સતત વિકાસના નામે દેવું વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં દેવામાં કરોડોનો વધારો થયો છે. હવે સ્થિતિ એવી છે કે, સરકારના બજેટ કરતાંય જાહેર દેવું વધુ થઈ ગયું છે. જો રાજ્ય સરકાર માત્ર વ્યાજ ચૂકવવાનો નિર્ણય કરે તો પણ દોઢ વર્ષનો સમય લાગે. ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ વિકાસના નામે સતત દેવું વધારી રહી છે. સરકાર વિકાસ કરવા માગે છે તો દેવું વધવાનું એવો તમામનો મત છે. પરંતું 5 વર્ષમાં ગુજરાતના દેવામાં અધધ વધારો થયો છે. દેવામાં દેશમાં ગુજરાત 8માં નંબરે આવી ગયું છે.
આંકડાની વાત કરીએ તો, વર્ષ 2023માં ગુજરાતનું દેવું 4.23 લાખ કરોડ પર પહોંચી ગયું છે. જે વર્ષ 2019 માં 2.98 લાખ કરોડ દેવું હતું. વ્યાજ અને મુદ્દલની ચૂકવણી બાદ પણ દેવું વધ્યું છે. લોકસભામાં નાણા વિભાગની માહિતીમાં આ ખુલાસો થયો છે. આ સાથે જ તમિલનાડુ દેવામાં દેશમાં નંબર-1 રાજ્ય છે. ગુજરાતના માથા પર વર્ષ 2019 માં 2.98 લાખ કરોડનું દેવું હતું, જે વધીને 2020માં 3.29 લાખ કરોડ થયું. તો વર્ષ 2021માં 3.63, વર્ષ 2022માં 3.89 અને વર્ષ 2023માં 4.23 લાખ કરોડ રૂપિયા થયું છે.
આમ, ગુજરાત સરકારનું દેવું રૂા. ૪ લાખ કરોડને પાર થઈ ગયું છે. હવે દરેક ગુજરાતીના માથે રૂા. ૬ ૩ હજારનું દેવું પહોંચી ગયું છે. ભલે નાનું બાળક હોય કે સીનિયર સીટિઝન પણ ગુજરાતીઓ માથે વિકાસના નામે દેવાનો બોજ વધારી દેવાયો છે. ગુજરાતની પ્રજા એવું કહી રહી છે કે 157 સીટો જીતાડી છે, તો દેવું તો સરકાર માથે આપવાની જ છે. ગુજરાતની વિકાસશીલ ગણાતી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં દેવું પણ વધવાનું છે. મહત્વની વાત તો એ છે કે, ગુજરાત સરકારના બજેટ કરતાં પણ રોકેટ ગતિએ જ વધી રહ્યું છે. છેલ્લાં એક જ વર્ષમાં જાહેર દેવું વધું છે જે ચિંતાજનક છે.
છેલ્લા 5 વર્ષમાં રાજ્યનું દેવુ અધધ વધી ગયું છે. આ કારણે ગુજરાત દેશમાં દેવામાં 8 મા સ્થાન પર આવી ગયું છે. છતા ગુજરાત સરકાર દ્વારા એવો દાવો કરાય છે કે, જે દેવુ લેવામાં આવે છે તે નિયત પ્રમાણમાં છે. રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ ગુજરાતને જે રકમ મળે છે, તેમાંથી પૂરી રકમની ફાળવણી ન કરાઈ હોવાનો પણ લોકસભામાં અપાયેલી માહિતીમાં બહાર આવ્યું છે.
દેવુ ચૂકવવા સરકાર પાસે કોઈ યોજના નથી
દેવુ ચૂકવવા માટે રકમ કેવી રીતે એકઠી કરવી તેની સરકાર પાસે કોઇ ચોક્કસ યોજના નહીં હોય તો દેવુ કરીને ઘી પીવા જેવી સ્થિતિ પેદા થશે. કારણ કે દેવું કેવી રીતે ચૂકવવું એ આયોજન પણ જરૂરી છે. હાલમાં બજેટમાં જે જોગવાઈઓ થાય છે એમાં મોટાભાગનો હિસ્સો ગુજરાત સરકારે લીધેલી લોનના વ્યાજ ભરપાઈમાં અલગથી ફાળવાઈ જાય છે. આમ જે પૈસા વિકાસ માટે ફાળવવવા જોઈએ એ રૂપિયા વ્યાજ ચૂકવવામાં જઈ રહ્યાં છે. સરકાર માટે આ વ્યાજ માથાનો દુખાવો બની રહ્યું છે. સરકારે જંત્રીમાં વધારો કરીને 20 હજાર કરોડની આવકમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.