દેશભરમાં કરોડો લોકોના પરિવહનનું સસ્તું, સરળ અને સહેલાઈથી ઉપલબ્ધ માધ્યમ રેલવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશનોને હાઈટેક બનાવવાનો મહાપ્લાન તૈયાર કર્યો છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1309 સ્ટેશન રિડેવલોપ કરાશે. જે પૈકી પ્રથમ તબક્કામાં દેશના 508 રેલવે સ્ટેશનના જીર્ણોદ્ધારની આધારશિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂકી છે.
આ રેલવે સ્ટેશનોના વિકાસ પાછળ 24,470 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઉત્તરથી લઈ દક્ષિણ અને પૂર્વથી લઈ પશ્ચિમ ભારતના રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવામાં આવશે. આ નવા હાઈટેક સ્ટેશનોમાં મુસાફરોની સુખ-સુવિધા માટે લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ કોર્ટ, શોપિંગ મોલ, પ્લે એરિયા, ગ્રીન બિલ્ડિંગ, કાફે ટેરિયા તૈયાર કરાશે. દેશભરના રેલવે સ્ટેશનોની ડિઝાઈન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને વાસ્તુકલાથી પ્રેરિત હશે.
વડાપ્રધાનના મિશન રેલવે રિડેવલપમેન્ટ પ્લાનમાં ઉત્તરપ્રદેશ પર ખાસ ધ્યાન અપાયું છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના સૌથી વધારે 55 રેલવે સ્ટેશનોની કાયકલ્પ કરાશે. તો બિહારના 49 અને મહારાષ્ટ્રના 44 રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરાયો છે. જ્યારે પશ્ચિમ બંગાળના 37 અને મધ્યપ્રદેશના 34, આસામમાં 32, ઓડીશામાં 25 અને પંજાબમાં 22 સ્ટેશનનો કાયાકલ્પ કરાશે. ગુજરાત અને તેલંગાણાના 21, ઝારખંડના 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18 સ્ટેશનને હાઈટેક બનાવાશે. હરિયાણામાં 15 અને કર્ણાટકના 13 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરીને સુખ-સુવિધા ઉભી કરાશે.