ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી વન-ડે સીરિઝની શરૂઆત થશે. ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝમાં 1-0થી જીત મેળવી હતી. ટેસ્ટની જેમ વન-ડેમાં પણ ટીમ ઈન્ડિયાની વેસ્ટ ઈન્ડિઝ પર વર્ચસ્વ રહ્યું છે. વેસ્ટ ઇન્ડિઝે છેલ્લે 2006માં ભારત સામે વનડે શ્રેણી જીતી હતી. ત્યારથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સતત 12 વનડે શ્રેણી જીતી છે. હવે તેનું લક્ષ્ય સતત 13મી વનડે શ્રેણી હશે.
ભારતમાં આગામી વન-ડે વર્લ્ડકપ માટે ક્વોલિફિકેશનમાં ચૂકી ગયા બાદ વેસ્ટ ઈન્ડિઝને તેની વન-ડેની રમતમાં સુધારો કરવાની જરૂર પડશે. 27 જૂલાઈથી શરૂ થઈ રહેલી શ્રેણીની પ્રથમ બે મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં રમાશે. આ પછી બંને ટીમો 1 ઓગસ્ટે ત્રિનિદાદ જશે, જ્યાં બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં ત્રીજી વનડે રમશે. વનડે સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ પાંચ ટી20 મેચોની સીરીઝ પણ રમવાની છે.
પ્રથમ વન-ડે ભારતીય સમય અનુસાર, સાંજે સાત વાગ્યે શરૂ થશે. મેચનું લાઈવ ટેલિકાસ્ટ ડીડી સ્પોર્ટ્સ પર થશે. ડીડી સ્પોર્ટ્સ મેચનું પ્રસારણ વિવિધ ભાષાઓમાં કરશે. આ માત્ર ફ્રી ડીટીએચ પર જ જોઈ શકાય છે.
પિચ રિપોર્ટ
3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ 27 જુલાઈએ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. આ મેદાનની પિચ વિશે વાત કરીએ તો, અહીં ઝડપી બોલરો અને સ્પિનરો બંને માટે મદદ જોઈ શકાય છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
હેડ ટુ હેડ રિપોર્ટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI ક્રિકેટમાં એકબીજા સામે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 139 મેચ રમાઈ છે. તેમાંથી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 63 મેચ જીતી છે જ્યારે ભારતે 70 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, જ્યારે 4 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું ન હતું.
વેસ્ટ ઈન્ડિઝ 17 વર્ષથી ભારતથી વનડે સીરિઝ જીતી શક્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ 17 વર્ષથી ભારત સામેની વનડે શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ કોઈ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી શક્યું નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય વન-ડે સીરિઝ 9 માર્ચ 1983ના રોજ રમાઈ હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમને તેના ઘરે 2-1થી હરાવ્યું હતું. 1989 સુધી માત્ર કેરેબિયન ટીમે સતત 5 શ્રેણી જીતી હતી. આ પછી ભારતીય ટીમે 1994માં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વનડે શ્રેણી જીતી હતી. ભારતે વિન્ડીઝને તેના ઘરે 4-1થી હરાવ્યું હતું. પરંતુ છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને મે 2006માં હરાવ્યું હતું. ત્યારથી ભારતીય ટીમે સતત 12 વનડે શ્રેણીમાં વિન્ડીઝને હરાવ્યું છે. સતત સૌથી વધુ શ્રેણીમાં ટીમને હરાવવાનો આ એક વર્લ્ડ રેકોર્ડ પણ છે.
વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ