સંસદમાં ચોમાસુ સત્રના ચોથા દિવસે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મણિપુર પર ચર્ચા કરવા માટે બંને ગૃહોમાં સ્થગિત પ્રસ્તાવ આપ્યો હતો.
સંસદીય દળની બેઠક દરમિયાન PMએ વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A નામની સરખામણી ઈસ્ટ ઈન્ડિયા કંપની, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે કરી હતી. મોદીએ કહ્યું કે આનાથી જનતા ગેરમાર્ગે દોરાશે નહીં.
ચોમાસુ સત્રમાં મણિપુરને લઈને ચાલી રહેલા સંગ્રામ વચ્ચે મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન વિપક્ષની પાર્ટીના ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું, માત્ર ઈન્ડિયા નામ લગાવી દેવાથી કશું થઈ જતું નથી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પણ ઈન્ડિયા લગાવ્યું હતું અને ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઈન્ડિયા આવે છે. PM મોદીએ કહ્યું, વિપક્ષ વેરવિખેર અને હેબતાઈ ગયો છે. વિપક્ષના વલણ પરથી લાગે છે કે તેઓ લાંબા સમય સુધી સત્તામાં આવવાની ઈચ્છા ધરાવતા નથી. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)માં પણ ઈન્ડિયા નામ આવે છે. ઈન્ડિયા નામ લોકોને ગેરમાર્ગે દોરવા માટે રાખવામાં આવ્યું છે, પરંતુ લોકો તેનાથી ગેરમાર્ગે દોરાશે નહીં.
આ તરફ વિપક્ષની પાર્ટીઓનું ગઠબંધન I.N.D.I.A એ સંસદની કાર્યવાહી પહેલાં એક બેઠક યોજી હતી. જેમાં મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મણિપુર પર ચર્ચા કરવા માટે સ્થગિત પ્રસ્તાવ આપ્યો હતો. ચોમાસુ સત્રના ચોથા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સંસદને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ મામલે ભાજપે સંસદીય દળની બેઠક બોલાવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. તે જ સમયે, વિરોધ પક્ષોના ગઠબંધન INDIAએ પણ એક બેઠક યોજી છે.
ત્રીજા દિવસની કાર્યવાહી દરમિયાન AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે સંસદમાં મણિપુર પર ચર્ચા અને વડાપ્રધાનના નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓ અધ્યક્ષ જગદીપ ધનખડ પાસે ગયા અને દલીલો કરવા લાગ્યા.
ત્યારબાદ તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ નિર્ણયના વિરોધમાં વિપક્ષી સાંસદોએ સંસદમાં ગાંધી પ્રતિમા પાસે આખી રાત ધરણાં કર્યાં હતાં. આજે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે.