દેશના સૌથી મોટા ઈન્ડસ્ટ્રીયલ હાઉસ ટાટા ગ્રુપનો બિઝનેસ ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. એવામાં હવે ટાટા ગ્રૂપ ભારતના સૌથી મોટા બિઝનેસ સમૂહમાંથી એક iPhones બનાવતી ફેક્ટરીને ટેકઓવર કરી શકે છે. આ રીતે ટાટા Apple iPhone બનાવનારી પ્રથમ ભારતીય કંપની બની શકે છે.
ઓગસ્ટ સુધીમાં બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ શકે
એટલે કે ટૂંક સમયમાં તમારા હાથમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ આઇફોન હશે. ટાટા કંપની આઇફોન બનાવવાના બિઝનેસમાં પણ ઉતરવાની તૈયારી કરી રહી છે. તેઓ એપલના સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત કરી રહ્યા છે અને એવું માનવામાં આવે છે કે ઓગસ્ટ સુધીમાં બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ શકે છે. જો ડીલ આગળ વધે છે, તો ટાટા જૂથ આઇફોન એસેમ્બલ કરનારી પ્રથમ ભારતીય કંપની હશે.
ફેક્ટરીનું મૂલ્ય 600 મિલિયન ડોલરથી વધુ
જણાવી દઈએ કે ટાટા ગ્રુપ સાઉથ કર્ણાટકમાં સ્થિત વિસ્ટ્રોન કોર્પોરેશનની ફેક્ટરીને ટેકઓવર કરશે. આ ફેક્ટરીનું મૂલ્ય 600 મિલિયન ડોલરથી વધુ છે. આ કરાર પર છેલ્લા એક વર્ષથી વાટાઘાટો ચાલી રહી હતી. આ ફેક્ટરીમાં 10,000 લોકો કામ કરે છે, લેટેસ્ટ iPhone 14 પણ અહીં એસેમ્બલ કરવામાં આવ્યો છે.
વિસ્ટ્રોન ભારતમાં iPhone બિઝનેસમાંથી બહાર નીકળવા માંગે છે
નોંધનીય છે કે તાઈવાની કંપની વિસ્ટ્રોન કોન્ટ્રાક્ટ પર ઈલેક્ટ્રોનિક સામાન બનાવે છે. વિસ્ટ્રોને આ નાણાકીય વર્ષમાં આ ફેક્ટરીમાંથી ઓછામાં ઓછા $1.8 બિલિયનના આઇફોન બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેથી તેને સરકારી પ્રોત્સાહન મળી શકે. કંપનીએ આવતા વર્ષ સુધીમાં તેના કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી કરવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. એવામાં વિસ્ટ્રોન ભારતમાં iPhone બિઝનેસમાંથી બહાર નીકળવા માંગે છે અને ટાટાએ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે. જો કે ટાટા, વિસ્ટ્રોન અને એપલના પ્રવક્તાએ આ વિશે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ એપલના કામકાજમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાનો નિર્ણય લીધો છે અને હવે તેનું ધ્યાન અન્ય બિઝનેસ પર રહેશે. કંપની ભારતમાં એપલ સિવાયના અન્ય ઉત્પાદનોમાં તેની સંભવિતતા શોધશે.ચીનને પડશે મોટો ફટકો
સરકાર કંપનીઓને તેમનું ઉત્પાદન અને રોજગાર વધારવા માટે પ્રોત્સાહનો આપી રહી છે. કોરોના રોગચાળાને કારણે સપ્લાયની સમસ્યા અને અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ ચીન પરની તેમની નિર્ભરતા ઓછી કરી રહી છે. આવી સ્થિતિમાં ભારત રોકાણ માટે પસંદગીના દેશ તરીકે ઉભરી આવ્યું છે. ટાટા ગ્રૂપે તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં પ્રવેશ કર્યો છે. તમિલનાડુમાં આવેલી કંપનીની ફેક્ટરી iPhoneની ચેસીસ એટલે કે ડિવાઇસનું મેટલ બેકબોન બનાવે છે. આ સાથે કંપનીએ ચિપ બનાવવામાં પણ રસ દાખવ્યો છે.