દિલ્હી, પંજાબ અને હિમાચલ સહિત દેશના ઉત્તરી રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં સાત રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરની અલગ-અલગ ઘટનાઓમાં 23 લોકોનાં મોત થયા છે. સૌથી વધારે ખરાબ હાલત હિમાચલ પ્રદેશની છે. ત્યાં કેદારનાથમાં થઈ હતી તેવી જ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નદીના પાણી સાથે કાદવ પણ બસ સ્ટેન્ડ અને બજારમાં ઘૂસી રહ્યા છે.
મનાલીમાં વરસાદનો 52 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. તે જ સમયે, 9 વર્ષમાં સૌથી વધુ વરસાદ સોલનમાં નોંધાયો હતો. હિમાચલમાં ઘણી નદીઓ અને નહેરો ખતરાના નિશાનથી ઉપર છે. બે જગ્યાએ વાદળ ફાટ્યું છે.
પંજાબમાં સતલજ નદીની આસપાસ આવેલા 15 થી 20 ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. તે જ સમયે, લેહ-લદ્દાખમાં ભારે વરસાદને કારણે 450 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું હતું. હિમાચલમાં 46 મકાનો ધરાશાયી થયા છે.
કુલ્લુમાં બિયાસની સાથે પાર્વતી અને તીર્થન નદીઓ પણ વહી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણીના જોરદાર પ્રવાહમાં 60થી વધુ વાહનો ધોવાઈ ગયા હતા. કુલ્લુના કસૌલમાં 6 વાહનો પાણીમાં વહી ગયા.
જુલાઈમાં 9 દિવસના વરસાદને કારણે દેશનો કુલ વરસાદ હવે સામાન્ય કરતાં વધુ છે. 9 જુલાઇ સુધી સામાન્ય વરસાદ 9.4 ઈંચ હતો. હવે આંકડો તેને વટાવીને 9.5 ઈંચ થઈ ગયો છે, જે 2% વધુ છે. દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ થયો છે. સામાન્ય કરતાં 1.9 ઈંચ વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
છેલ્લાં 24 કલાકમાં 23 મોત, સૌથી વધુ હિમાચલમાં
રાજ્ય | મૃત્યાંક |
હિમાચલ | 7 |
ઉત્તરાખંડ | 6 |
જમ્મુ અને કાશ્મીર | 4 |
પંજાબ | 3 |
યુપી | 1 |
રાજસ્થાન | 1 |
દિલ્હી | 1 |
કુલ | 23 |