7th pay commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ દિવાળીએ સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા (DA)માં 3% વધારાની જાહેરાત 31 ઓક્ટોબર આસપાસ કરશે તેવી અપેક્ષા છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ અંગેનો અંતિમ નિર્ણય આગામી કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે. ઓક્ટોબરની મધ્યથી અંત સુધીમાં આ મુદ્દે જાહેરાત કરી શકે છે. જો કે, હજુ સુધી આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
શું છે વિગતો
વર્તમાનમાં મોંઘવારી ભથ્થુ 50 ટકા છે. જો કે, સરકાર તેમાં 3 ટકાનો વધારો કરે તો 1 જુલાઈ, 2024થી મોંઘવારી ભથ્થુ 53 ટકા લાગુ થઈ શકે છે. આ બદલાવથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થવાનો આશાવાદ છે. ઉલ્લેખનીય છે, કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું ભથ્થુ પણ મળવાપાત્ર રહેશે. ગતવર્ષે પણ તહેવારની સિઝન પહેલાં જ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે 4 ટકા ભથ્થું વધાર્યુ
હિમાચલ પ્રદેશની સરકારે દશેરાની પહેલાં જ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આ ફેરફારથી રાજ્યમાં 1.80 લાખ કર્મચારીઓ અને 1.70 લાખ પેન્શનધારકોને લાભ થયો છે.
બે વખત વધે છે ભથ્થું
કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય રીતે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં વધે છે. જેની જાહેરાત માર્ચ અને ઓક્ટોબરમાં કરવામાં આવે છે.
મોંઘવારી ભથ્થું (DA) શું છે?
મોંઘવારી ભથ્થું (DA) કર્મચારીઓના મૂળ પગારનો એક ટકા છે. તે તેમના જીવન ખર્ચ પર ફુગાવાના પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ બને છે. આ ભથ્થું સામાન્ય રીતે રોજિંદા જીવન ખર્ચમાં વધઘટને પ્રતિબિંબિત કરતાં દર છ મહિને સુધારવામાં આવે છે. મોંઘવારી ભથ્થું (DA) ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) દ્વારા નક્કી કરવામાં આવે છે, જે રિટેલ ભાવની વધઘટ પર નજર રાખતા વાર્ષમાં બે વાર અપડેટ કરવામાં આવે છે. ડીએમાં વધારાથી સરકારી કર્મચારીઓને રોકડ પગારમાં વધારો થાય છે.