5 ઓવર, 5 મેડન, 5 વિકેટ… પાકિસ્તાન સામે જસ્ટિન ગ્રીવ્સનો તરખાટ! ફેંક્યો સનસનાટીભર્યો સ્પેલ

By: Nation Gujarat Team
28 Jul, 2026

Justin Greaves 5 Wicket Haul: પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી ખતરનાક પાંચ વિકેટ લીધી છે. બોલિંગ દરમિયાન શરૂઆતી છ ઓવરમાં જસ્ટિન ગ્રીવ્સે એકપણ વિકેટ લીધી નહોતી પરંતુ પોતાની આગામી 5 ઓવરમાં તેણે 5 મેડન ફેંકી અને દરેક ઓવરમાં એક વિકેટ લેવામાં સફળતા મેળવી. પાકિસ્તાની બેટરોની ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં આબરૂના ધજાગરા ઉડ્યા છે, કારણ કે કોઈએ આવા ડાઉનફોલની આશા નહોતી કરી.

જસ્ટિન ગ્રીવ્સે ઝડપી 5 વિકેટ
પાકિસ્તાન પોતાની પ્રથમ ઈનિંગમાં સારી સ્થિતિમાં હતું અને શાન મસૂદ સદી ફટકારી બેટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ જસ્ટિન ગ્રીવ્સે પોતાની સાતમી ઓવરના છઠ્ઠા બોલ પર મસૂદને બોલ્ડ કર્યો. પોતાની આઠમી ઓવરના બીજા બોલ પર આમેર જમાલની વિકેટ લીધી અને પછી નવમી ઓવરમાં અલી ઉસ્માનને LBW આઉટ કર્યો.

ત્યારબાદ પણ જસ્ટિન ગ્રીવ્સની ઘાતક બોલિંગનો કહેર યથાવત રહ્યો. તેણે પોતાની 10મી ઓવરમાં મોહમ્મદ રિઝવાન અને 11મી ઓવરમાં મોહમ્મદ અબ્બાસને આઉટ કરી પાંચ વિકેટ પૂરી કરી હતી. તેણે પોતાની પાંચ ઓવરમાં એકપણ રન આપ્યો નહીં. જસ્ટિને આ ઈનિંગમાં 11 ઓવર ફેંકી, જેમાં 27 રન આપી 5 વિકેટ પોતાના નામે કરી હતી.

વેસ્ટ ઈન્ડિઝ 155 રનથી આગળ
ત્રીજા દિવસે રમત સમાપ્ત થવા સુધી વેસ્ટ ઈન્ડિઝની લીડ 155 રન થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 311 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 282 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઈનિંગમાં 29 રનની લીડ મળી હતી અને ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા પર તેનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 126 રન છે. હવે ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝ પોતાની આ લીડને વધારવા ઈચ્છશે, પરંતુ તેના હાથમાં માત્ર ત્રણ વિકેટ છે.


Related Posts

Load more