મને વાઈફની જેમ ટ્રીટ કરતો, ત્રણ ટાઈમ ઘરે આવતો,શિક્ષિકાની પૂર્વ વિદ્યાર્થી સામે દુષ્કર્મની ફરિયાદ

By: Nation Gujarat Team
25 Mar, 2026

રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકા વર્ષ 2012માં ધો.10ના જે વિદ્યાર્થીને ભણાવી રહી હતી, તે વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ તે જ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કર્યો  અને ત્યાર બાદ લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચાર્યુ હતું

આ દરમિયાન યુવક શિક્ષિકાને ચારધામ યાત્રા અને થાઈલેન્ડ પણ ફરવા લઈ ગયો હતો. આ ઉપરાંત યુવકે રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા શિક્ષિકા પાસેથી લીધા હતા. જોકે, બાદમાં યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધાનો ભાંડો ફૂટતા શિક્ષિકાએ લગ્ન કરવા કહ્યું હતું. પરંતુ યુવકે રૂપિયા પાછા આપવા અને લગ્નની ના પાડતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીગ્રામ પોલીસે BNSની કલમ 64 (2)(M), 69, 316(2) સહિતની કલમ અંતર્ગત શિક્ષિકાના પૂર્વ પ્રેમી ધ્રુવલ દેસાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસે યુવતીની ફરિયાદ લેવામાં અઢી મહિના કાઢી નાંખતા પોલીસની ભૂમિકા સામે પણ સવાલો થઈ રહ્યા છે.

ધ્રુવલ દેસાઈએ ફેસબુક મારફતે શિક્ષિકાનો કોન્ટેક્ટ કર્યો હતો.

દુષ્કર્મ પીડિતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે, હું જે સ્કૂલમાં ભણાવું છું તે જ સ્કૂલના પૂર્વ સિનિયર વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈએ ફેસબુક મારફતે મારી સાથે કોન્ટેક્ટ કર્યો હતો. લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો.

જૂન 2024માં કોન્ટેક્ટ કરી ડિસેમ્બર 2025 સુધી દુષ્કર્મ ગુજાર્યું

હું જ્યારે વર્ષ 2012માં સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈ ત્યારે સિનિયર વિદ્યાર્થી તરીકે ધ્રુવલ ધો. 10માં અભ્યાસ કરતો હતો. જે બાદ ધ્રુવલને મારા સ્કૂલના સ્ટાફ તેમજ મિત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે, હું ડિવોર્સી છું અને એકલી રહું છું જેથી ધ્રુવલે જૂન 2024માં મારો કોન્ટેક્ટ કર્યો અને ડિસેમ્બર 2025 સુધી લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે, ધ્રુવલે માર્ચ 2025માં તેની મહિલા મિત્ર સાથે સગાઈ કરી લીધી હતી. જોકે, તેની ખબર ધ્રુવલે મને પડવા દીધી નહોતી અને મને એમ કહ્યું કે, હું તારી સાથે જ લગ્ન કરવા માંગું છું. ધ્રુવલે દોઢ વર્ષમાં મને આખું ગુજરાત અને ચારધામની યાત્રા કરાવી હતી. મે મહિનામાં 10 દિવસ થાઈલેન્ડ લઈ ગયો હતો. દોઢ વર્ષમાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઇમ મારા ઘરે આવતો હતો. મને વાઈફની જેમ જ ટ્રીટ કરતો હતો.

ધ્રુવલે મને કહ્યું હતું કે આપણે વિદેશમાં સ્થાયી થવું છે જેથી મારી નોકરી પણ મુકાવી દીધી હતી. આ દરમિયાન મેં તેને રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા આપ્યા હતા. ધ્રુવલ દેસાઈને અમૂલ પાર્લરની શોપ છે. બાદમાં મને ખબર પડી કે ધુવલે સગાઈ કરી લીધી છે.

‘હું તમને ઓળખતો નથી તમે કોણ છો? અહીંથી નીકળો’

ધ્રુવલની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી મારા ઘરે આવી હતી અને તે વખતે ધ્રુવલ મારા ઘરેથી પકડાયો હતો. ત્યાર બાદ મેં ધ્રુવલને ફોન કર્યા પરંતુ મને તેણે બ્લોક કરી દીધી હતી અને મારા મેસેજના પણ જવાબ આપતો નહોતો. જે બાદ હું તેની શોપ પર ગઈ ત્યારે તેણે મને કહ્યું કે, હું તમને ઓળખતો નથી તમે કોણ છો? અહીંથી નીકળો. તે વખતે જ મેં જે પૈસા આપ્યા હતા તે માંગતા તેણે પરત આપવાની પણ ના પાડી દીધી હતી.

25 જૂન 2024ના રોજ તેના ફેસબુક પર એક મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, તે તેનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ત્યારબાદ ફોન નંબરની આપ લે થઈ હતી. વિદ્યાર્થી 12 વર્ષ નાનો હતો આમ છતાં તેને શિક્ષિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજકોટમાં સંસ્કાર સિટી બી વિંગ 404 મવડીમાં રહેતા ધ્રુવલ પંકજભાઈ દેસાઈ નામના યુવાને જુલાઈ 2024માં શિક્ષિકાને ફોન કરીને સીધો જ તેના ઘેર પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે, ‘હું જ્યારે ધો.10માં ભણતો હતો ત્યારથી જ તમે મને ગમો છો, હું સ્કૂલ ટાઈમથી જ તમને લાઈક કરું છું.’

ત્યારબાદ ફરી એક વખત લગ્નનો પ્રસ્તાવ મૂકીને શિક્ષિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જાન્યુઆરી 2025માં શિક્ષિકાના માતાને પણ મળીને ‘હું શિક્ષિકા સાથે લગ્ન કરવા માગું છું અને અમે લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ જશું’ તેવી વાત કરી હતી. ત્યારબાદ લગભગ દરરોજ રાત્રિના સમયે ધ્રુવલ શિક્ષિકાના ઘેર આવતો જતો હતો અને લગ્ન કરી જ લેવાના છે તેથી શિક્ષિકા પણ તેમની સાથે પત્નીની જેમ રહેતા હતા. 2025માં બંને થાઈલેન્ડ પણ ફરવા ગયા હતા અને ચારધામની યાત્રા પણ કરી હતી.

શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2025માં ધ્રુવલના માતાનો ફોન આવ્યો હતો કે, તે મારા છોકરાને ફસાવ્યો છે, જોકે આ સમયે ધ્રુવલ પોતાની પાસે જ હતો. ત્યારે ધ્રુવલે એમ કહ્યું હતું કે, તમારે માત્ર હાએ હા જ કરવાની છે. બાકી બધું હું ટેકલ કરી લઈશ. જોકે ધ્રુવલે માર્ચ 2025માં તેની સાથે જ ભણતી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની પોતાને જાણ થતાં તે શું કરવા માગે છે તેમ પૂછતાં ધ્રુવલે સ્પષ્ટ કહ્યું હતું કે, પરિવારના દબાણથી આ સગાઈ કરી છે, પરંતુ હું લગ્ન તો તમારી સાથે જ કરવાનો છું અને છેક 23 ડિસેમ્બર 2025 સુધી મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને આ સમય દરમિયાન અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.

શિક્ષિકાએ જણાવ્યું હતું કે, અઢી વર્ષના સમયગાળા દરમિયાન ધ્રુવલે જ્યારે સગાઈ કરી લીધી ત્યારબાદ ધ્રુવલના માતા અને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી પણ પોતાને મળવા આવ્યા હતા અને ધ્રુવલની હવે સગાઈ થઈ ગઈ છે તેથી તેની સાથેનો સંબંધ પૂરો કરી નાખવા કહ્યું હતું. જોકે ધ્રુવલ સ્પષ્ટ રીતે કહેતો હતો કે, તેની સાથે જ લગ્ન કરશે અને આથી જ ધ્રુવલને ધંધામાં ખોટ જતા રોકડા 2 લાખ, 4 લાખ પીએફ જમા હતું તેમાંથી અઢી લાખ અને સોનાના દાગીના વેચીને કુલ 7 લાખ રૂપિયાની મદદ પણ કરી હતી. ડિસેમ્બર 2025માં ધ્રુવલે લગ્ન કરવા માટે ના પાડી દેતા અને રૂપિયા પણ પરત દેવાની ના પાડી દેતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

20 જાન્યુઆરી 2026ના રોજ પોતે પોલીસને અરજી કરી હતી. પોલીસે નિવેદન લેવા માટે બોલાવી પણ હતી. જોકે તે સમયે ગુનો નોંધ્યો ન હતો. પીએસઆઈ જોશીએ એમ કહ્યું હતું કે, અત્યારે અરજી લઈ છીએ. તમને વિચારવાનો સમય આપીએ છીએ. અમારે સામેવાળાને પણ સમય આપવો પડે. આથી તમે વિચારીને આવો પછી આગળની કાર્યવાહી કરીશું. આ સમય દરમિયાન ધ્રુવલના માતા-પિતા અને ધ્રુવલે જેની સાથે સગાઈ કરી લીધી હતી તે યુવતી ગાંધીગ્રામ પોલીસ મથકે આવ્યા હતા અને પોતાને પણ ત્યાં બોલાવી હતી.


Related Posts

Load more