ડો. હિમાંશુ ઠક્કરના જણાવ્યા મુજબ, બાળકો ઘણી વાર રમતા રમતા કાન, નાક અને ગળામાં કંઈક નાખી દે છે, જેને કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જો રબરનું સ્પોન્જ નાકમાંથી ગળામાં ઉતરી જાય અને શ્વસનનળીમાં ફસાઈ જાય તો જીવનું જોખમ પણ થઈ શકે છે. આવા અનેક કેસોમાં સફળતાપૂર્વક સારવાર કર્યા બાદ, ડો. હિમાંશુ ઠક્કરે ફરી એકવાર કુશળતાથી દોઢ મહિનાથી ફસાયેલ રબરનું સ્પોન્જ દૂરબીન વડે નાકમાંથી કાઢી, દર્દીને રાહત આપી છે. ડો. ઠક્કરના જણાવ્યા અનુસાર, નાકમાં એક બાજુથી દુર્ગંધવાળું પ્રવાહી નીકળવું, લોહી આવવું, અથવા શરદીની દવાઓ લીધા છતાં શરદી ના મટતી હોય તો એવા સંજોગોમાં નિષ્ણાત ENT સર્જનની સલાહ લેવી જરૂરી છે.આપણે સમજવું જરૂરી છે કે બાળકો નાના હોય છે, તેથી તેઓ કહી શકતા નથી કે શું થયું છે. વાલીઓએ સતત ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ શંકાસ્પદ લક્ષણ દેખાય તો તરત જ સારવાર કરાવવી જોઈએ. નાની ગફલત મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. રાજકોટમાં થયેલી આ સર્જરી માત્ર બાળકીને રાહત આપતું ઉદાહરણ નથી, પરંતુ બધા વાલીઓ માટે ચેતવણીરૂપ સંદેશ છે કે બાળકોની આરોગ્ય સમસ્યાઓને હલકેથી ન લેવાય.