25 વર્ષ પછી ગુજરાત પોલીસ ફરી રાષ્ટ્રીય હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરશે, 35 ટીમો રાજકોટમાં ટકરાશે
By: nationgujarat
01 Dec, 2025
રાજકોટ: રાજકોટ પહેલી વાર ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું યજમાન બનતાં શહેરમાં રમતમાં નવી ઊર્જા જોવા મળશે. 25 વર્ષથી વધુ સમય બાદ ગુજરાત પોલીસ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ટૂર્નામેન્ટનું આયોજન કરી રહી છે, જેમાં દેશના વિવિધ રાજ્યો અને પેરા મિલિટરી ફોર્સ મળીને કુલ 35થી વધુ પુરુષ અને મહિલા ટીમો ભાગ લેશે. 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ચાલનારી આ સ્પર્ધા શહેરના બે મુખ્ય મેદાનો મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ પર રમાશે. બંને મેદાનોમાં ખેલાડીઓ અને દર્શકોને ઉત્તમ અનુભવ મળે તે માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારી ચાલી રહી છે.
આ સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં 10 જેટલી અલગ-અલગ કમિટીઓ બનાવવામાં આવી છે. દરેક કમિટી પોતાની જવાબદારી પ્રમાણે સ્થળ સજ્જતા, સુરક્ષા, આવકાર, પરિવહન, રહેઠાણ અને ટેકનિકલ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ધ્યાન આપી રહી છે. રાજકોટમાં આટલી મોટી સ્તરની નેશનલ ઇવેન્ટ પહેલીવાર યોજાઈ રહી હોવાથી પોલીસ તંત્ર પણ દરેક નાની-મોટી જરૂરિયાતમાં કોઈ ખામી ન રહે તેની ખાતરી કરી રહ્યું છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલમાં પૂર્ણ છે.
ચેમ્પિયનશિપની શરૂઆત 4 ડિસેમ્બરની સવારથી થશે, જ્યારે પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી અને DGP વિકાસ સહાયની હાજરીમાં થનારી આ શરૂઆત સ્પર્ધાના ઉત્સાહને વધારશે. તમામ ટીમોનો પરિચય, બેન્ડ પરેડ અને વિવિધ પ્રસ્તુતિઓ સાથે ઉદઘાટન સમારોહને યાદગાર બનાવવા માટેની તૈયારીઓ અંતિમ તબક્કે છે. ટૂર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓ માટે તાલીમ અને મેચ બંને માટે અનુકૂળ વાતાવરણ ઊભું રહે તે શહેર પોલીસનો મુખ્ય લક્ષ્ય છે.
15 ડિસેમ્બરના સાંજે ક્લોઝિંગ સેરેમની યોજાશે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા હાજરી આપશે. આ સમારોહમાં વિજેતા અને રનર-અપ ટીમોને સન્માનિત કરવામાં આવશે. પંદર દિવસના આ ખેલોત્સવ દરમિયાન દેશભરના સશસ્ત્ર દળો અને પોલીસ સંસ્થાઓ વચ્ચે રમતો દ્વારા જોડાણ વધુ મજબૂત બનશે. રાજકોટની પસંદગીનું એક મુખ્ય કારણ શહેર પાસે ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરનું હોકી મેદાન છે. 2016માં રેસકોર્સ વિસ્તારમાં મનપાએ લગભગ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું. આ ટર્ફ મેદાનનું હોલેન્ડથી આવેલા નિષ્ણાતોએ નિરીક્ષણ કર્યું હતું અને તેને આંતરરાષ્ટ્રીય ધોરણનું પ્રમાણ પણ મળ્યું હતું. ટર્ફના કારણે ખેલાડીઓની સ્પીડ અને સ્કિલ બંનેમાં વધારો થાય છે, જે કોઈ પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે અનિવાર્ય ગણાય છે.