એક તરફ સફાઈ પખવાડિયાના નામે અંજાર નગરપાલિકા દ્વારા સાવરણો લઈ સફાઈના નાટક કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શહેરની સોસાયટીઓમાં કચરાના ગંજ જામી ગયેલા હોવા છતાં ત્યાં સફાઈ કરવામાં ન આવતી હોવાના આક્ષેપો ઉઠયા છે.
અંજાર નગરપાલિકા દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટરને ખાસ સાચવવામાં આવતા હોવાનો અગાઉ આક્ષેપો થઈ ચૂક્યા છે. ઠેકેદાર કામ કરે કે ન કરે તેને મહિને બિલ મળી જતું હોવાથી અને પદાધિકારીઓનો માનીતો હોવાથી અંજારમાં સફાઈ બાબતે અનિયમિતતા દેખાઈ રહી છે. ત્યારે વોર્ડ નં. 6ના રહેવાસીઓ છેલ્લા ૨૫ દિવસોથી સતત રજૂઆતો કરી રહ્યો હોવા છતાં સફાઈ કરવામાં ન આવતા કચરાને ટ્રેક્ટરમાં ભરી સ્થાનિકોએ પાલિકા કચેરીમાં જ ઠાલવી નાખ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ વોર્ડ નં. 6 ના ચિત્રકૂટ વિસ્તારમાં છેલ્લા ૨૫ દિવસોથી કચરાનો ભરાવો થઈ રહ્યો હોવાથી સ્થાનિકો દ્વારા 3 વખત પાલિકામાં લેખિત રજૂઆત કરી છે. આ ઉપરાંત અનેક વખત સ્થાનીક નગરસેવકને ફોન કરી ફરિયાદ કરી હોવા ઉપરાંત સફાઈ કોન્ટ્રાક્ટર વતી કામ કરતાં વ્યક્તિને પણ ફોન કર્યા છે. પરંતુ દર વખતે એક-બીજાના નંબર આપી બીજા પર જવાબદારી ઢોળી કચરો ઉઠાવવામાં આવતો ન હોવાથી સ્થાનિકે રહેતા અર્જુનસિંહ રાણા, શહેર કોંગ્રેસના પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા વગેરે યુવાનોએ ટ્રેક્ટરમાં કચરો ભરી પાલિકા કચેરીના પ્રાંગણમાં જ ઠાલવી નાખ્યો હતો.
આ વેળાએ યુવાનોએ આક્ષેપો કરતાં જણાવ્યુ હતું કે સફાઈ કરતાં ઠેકેદારને પાલિકા દર મહિને 17 લાખ ચૂકવે છે છતાં સફાઈ કરવામાં નથી આવતી. જ્યારે રજૂઆત કરીએ ત્યારે એક બીજા પર જવાબદારી ઢોળી નાખવામાં આવે છે. જેથી ન છૂટકે પાલિકામાં જ કચરો ઠાલવવામાં આવ્યો છે. હજુ 3 ટ્રેક્ટર ભરાય તેટલો કચરો પડયો છે. જો રવિવાર સુધીમાં કચરો નહીં ઉપડે તો સવારે ફરી ટ્રેક્ટર ભરીને કચરો પાલિકા કચેરીમાં જ ઠાલવી જશું.