અમદાવાદ શહેરમાં 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. બીજા દિવસે આ હત્યા કેસના સગીર સહિત 3 આરોપીની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં આ હત્યા હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બન્ને વચ્ચેની પાર્ટનરશિપ છૂટી કરવા માટે 25 કરોડની લેતીદેતીમાં મનદુખ થયું અને જેનું પરિણામ લોહીયાળ આવ્યું.
બિલ્ડરની લાશ તેની જ મર્સિડિઝની ડેકી નાંખી 6 કિલો મીટર દૂર છોડી આ હત્યા નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં કરવામાં આવી હતી. આરોપીઓ મૃતકને પહેલેથી જ ઓળખતા હતા અને તેનો પીછો કરતા હતા. મૃતક પોતાની મર્સિડિઝ સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે અને આરોપીઓ કાર નજીક પહોંચે છે. મૃતક બેઝમેન્ટમાં પરત ફરે છે ત્યારે તેની હત્યા કરી દે છે. ત્યાર બાદ આરોપીઓ મનસુખ લાખાણીને ફોટો-વીડિયો પણ મોકલ્યા હતા. ખૂની ખેલ ખેલ્યા પછી આરોપીઓ હિંમતભાઈની લાશને મર્સિડિઝની ડેકીમાં નાંખી જુદા જુદા વિસ્તારમાં ફેરવે છે, ત્યાર બાદ નિકોલ સરદારધામથી 6 કિલો મીટર દૂર આવેલા વિરાટનગર ચાર રસ્તા બ્રિજ પાસે કાર છોડીને નાસી છૂટે છે.
એક આરોપી ગાર્ડ અને એક કારખાનાનો કામદાર આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજામાં સગીરનો સમાવેશ થાય છે. આરોપી રાહુલ ઉર્ફે હિમાંશુ અને પપ્પુ શિરોહી નજીકના જવાહર ગામના છે. રાહુલ ઉર્ફે હિમાંશુ ગાર્ડનું કામ કરે છે અને પપ્પુ કારખાનામાં કામ કરે છે. મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે હિમાંશુ છે અને તેણે જ આખો પ્લાન ઘડ્યો હતો.
મૃતકના ફોટો વિડિયો પણ મનસુખને મોકલ્યાં મનસુખ લાખાણીએ એક વર્ષ અગાઉ સોપારી આપી હતી. જેના માટે 50 હજાર રૂપિયા આપ્યા હતા. જોકે પોલીસે મનસુખ લાખાણી ઉર્ફે જેકીની પૂછપરછ કરી તો અગાઉ સોપારી આપી હોવાની કબૂલ્યું હતું. જ્યારે હત્યા કરનાર આરોપીઓએ તાજેતરમાં ફરીથી સોપારી આપી હોવાની કબૂલાત કરી છે. આરોપીઓએ હત્યા બાદ મૃતકના ફોટો વિડિયો પણ મનસુખને મોકલ્યા હતા.
‘હિંમત પટેલને પતાવી દે તો દિવાળી સુધરી જશે’ મનસુખે કબૂલાત કરી હતી કે તેણે એક વર્ષ અગાઉ પૈસાની લેતીદેતી બાબતે આરોપી હિમાંશુ તેના ત્યાં નોકરી કરતો હતો ત્યારે 50 હજાર રૂપિયા માર મારવા માટે આપ્યા હતા. પરંતુ થોડા. દિવસ અગાઉ ફરીથી હત્યા કરવા જણાવ્યું હતું. જેનાથી દિવાળી સુધરી જશે તેવું જણાવ્યું હતું. પરંતુ મનસુખ ફરીથી સોપારી આપી હોવાનું કબૂલાત કરી રહ્યો નથી.
એક વર્ષ પહેલાં હત્યા માટે આરોપીઓની હિંમત નહોતી ચાલી મનસુખે આરોપીને જે તે સમયે મૃતક હિંમતભાઈ ક્યાં ક્યાં જાય છે તેમનું ઘર,ઓફિસ,સાઇટ સહિતની અલગ અલગ અનેક જગ્યા બતાવવા લઈ ગયો હતો. પરંતુ વર્ષ અગાઉ આરોપીની હિંમત ચાલી નહોતી જેથી તેને હત્યા કરી નહોતી.આરોપીના જણાવ્યા અનુસાર તેને 10 દિવસ અગાઉ ફરીથી મનસુખે હત્યા કરવાનું જણાવ્યું હોવાથી તેણે હત્યાનો પ્લાન બનાવી હત્યા કરી હતી. આ સમગ્ર મામલે મનસુખે આરોપીને ફરીથી સોપારી હતી કે કેમ તે મામલે તપાસ કરી રહી છે.
2024માં આરોપીના પુત્ર સામે મૃતકના પુત્રએ CIDમાં ફરિયાદ કરી હતી મનસુખ લાખાણી અને મૃતક હિંમતભાઈ રૂડાણી પાર્ટનર હતા અને પૈસાની લેતીદેતીમાં મનદુખ થયું હતું. વર્ષ 2024માં હિંમતભાઈના પુત્ર ધવલ રૂડાણીએ તે સમયે તેના જ ભાગીદાર અને મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ CID ક્રાઈમના EOW વિભાગમાં કરી હતી. જેમાં બિલ્ડરની ખોટી સહીઓ અને ઓથોરિટી લેટર પેડ ડુપ્લિકેટ બનાવી 1.50 કરોડ રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા હતા તેમજ બારોબાર દુકાનો બનાવી વેચી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે કિંજલ લાખાણી વિરુધ ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.