વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથી મુલાકાતે આવી રહ્યા છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર પ્રધાનમંત્રી મોદીનો 2 કિમી લાંબો રોડ શો યોજશે, જેમાં 108 અશ્વો સામેલ થશે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉત્કંઠા છવાઈ ગઈ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જે સદભાવના ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કરશે એનું અને નરેન્દ્ર મોદીનું વર્ષ 2012નું એટલે કે 14 વર્ષ જૂનું કનેક્શન છે.
સદભાવના ગ્રાઉન્ડ અને મોદીનું કનેક્શન પ્રધાનમંત્રી મોદી જે વિશાળ મેદાનમાં જનસભાને સંબોધશે તે સદભાવના ગ્રાઉન્ડ પોતે જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વર્ષ 2012માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાના મુદ્દે ચાલતા જન આંદોલન દરમિયાન તેમણે જાન્યુઆરી 2012માં આ જ સ્થળે સદભાવના ઉપવાસ કર્યા હતા. ત્યારબાદથી આ મેદાન ‘સદભાવના ગ્રાઉન્ડ’ તરીકે ઓળખાય છે.
એક લાખથી વધુ લોકોની હાજરીનો અંદાજ 11 જાન્યુઆરીએ સ્વાભિમાન પર્વ અંતર્ગત આ જ સદભાવના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદી વિશાળ જનસભાને સંબોધશે. આ જનસભામાં એક લાખથી વધુ લોકોની જનમેદની એકત્ર થવાની શક્યતા છે.
ભાજપ અધ્યક્ષ સોમનાથ આવી પહોંચ્યા જનસભાની તૈયારીઓને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે તા. 7 જાન્યુઆરીએ સોમનાથ આવી પહોંચ્યા છે. તેઓ ભાજપ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠકો યોજીને આયોજનની સમીક્ષા કરશે. જનમેદની એકત્ર કરવા માટે રાજ્યના ચાર મંત્રીઓ પણ સક્રિય રીતે કવાયત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે મોદી 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિરોકાણ કરશે. 11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે.