વડોદરા: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સગીરા સાથે દુરાચારનો ગંભીર બનાવ સામે આવ્યો છે. 16 વર્ષની કિશોરી સાથે જ્યોતી ફાઉન્ડેશન ટ્રસ્ટના સંચાલક દ્વારા દુષ્કર્મ આચરાયું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા અન્ય એક યુવાને પણ સગીરા સાથે દુરાચાર કર્યો હોવાનો આરોપ છે. કિશોરી છ મહિનાની ગર્ભવતી હોવાની જાણ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે બંને આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ મુજબ આ કેસમાં એક બીજો આરોપી પણ સામે આવ્યો છે. સગીરા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા એક યુવાન સાથે ઓળખમાં આવી હતી. આ યુવાન જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઈ ગોહીલ હોવાનું સામે આવ્યું છે. જે છાણી વિસ્તારમાં રહે છે. આરોપ છે કે આ યુવાને પણ સગીરાનો વિશ્વાસ જીતી તેની સાથે દુરાચાર કર્યો હતો. હાલમાં સગીરાને છ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે અને આ ગર્ભ કોના કારણે છે તે જાણવા માટે તબીબી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ મેડિકલ રિપોર્ટ અને FSL તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે ગર્ભ કોનો છે. આ ઘટનાની જાણ થતા મકરપુરા પોલીસ સ્ટેશનએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા
પીડિતાની માતાના જણાવ્યા મુજબ પિતાની તબિયત લાંબા સમયથી ખરાબ રહેતી હોવાથી દીકરીએ ડરના કારણે આ બાબત પરિવારને જણાવી નહોતી. પરિવાર જ્યારે દીકરીને વારંવાર પૂછતો હતો ત્યારે તે હોસ્પિટલ જવાનું ટાળતી હતી. શરૂઆતમાં પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ખર્ચ વધારે હોવાને કારણે તેઓ સરકારી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં ડોક્ટરે પોલીસને જાણ કરવાની સલાહ આપતાં પરિવાર ગભરાઈ ગયો હતો અને થોડા સમય માટે પાછો ફર્યો હતો.