1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું-શું બદલાશે?

By: Nation Gujarat Team
30 Mar, 2026

ડિજિટલ પેમેન્ટ્સ માટે RBIના નવા નિયમો 1 એપ્રિલ 2026થી બદલાવા જઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક ડિજિટલ પેમેન્ટ્સ માટે એક નવું ‘પ્રિન્સિપલ બેઝ્ડ ફ્રેમવર્ક’ (Principle-based framework) લાગુ કરવા જઈ રહી છે. આનાથી ફિશિંગ અને સિમ-સ્વેપ જેવા ઓનલાઇન ફ્રોડ પર લગામ લાગશે અને અને ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાનો છે.

1 એપ્રિલથી થનારા બદલાવ
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન:
 હવેથી તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શન (UPI, કાર્ડ, વોલેટ) માટે ‘ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન’ ફરજિયાત રહેશે.

માત્ર OTP પૂરતો નથી: ટ્રાન્ઝેક્શન દરમિયાન હવે માત્ર SMS પર આવતો OTP પૂરતો નહીં ગણાય. ટ્રાન્ઝેક્શનને પ્રમાણિત કરવા માટે એક વધારાના સુરક્ષા સ્તરની (Security Layer) જરૂર પડશે.

ડાયનેમિક ઓથેન્ટિકેશન: નવા નિયમો અનુસાર, ઓછામાં ઓછું એક ઓથેન્ટિકેશન ફેક્ટર ‘ડાયનેમિક’ હોવું જોઈએ, જે ખાસ કરીને તે જ ટ્રાન્ઝેક્શન માટે જનરેટ થયેલું હોય.

વિવિધ વિકલ્પો: વેરિફિકેશન માટે બેન્કો અને પેમેન્ટ કંપનીઓ પાસે બાયોમેટ્રિક્સ, પિન/પાસવર્ડ અને બેન્કિંગ એપ ટોકન જેવા અનેક વિકલ્પો હશે.

સંસ્થાઓની જવાબદારી: જો સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામીને કારણે ગ્રાહકને નુકસાન થાય છે, તો તેની સંપૂર્ણ જવાબદારી બેન્કિંગ અને સંબંધિત સંસ્થાઓની રહેશે.

શું થશે આ બદલાવના ફાયદા?
વધારે સુરક્ષા:
 નવા નિયમોને કારણે જો કોઈને તમારા મોબાઈલ પર આવેલો OTP ખબર પડી જાય તો પણ તે પેમેન્ટ કરી શકશે નહીં, કારણ કે તેની પાસે તમારી ફિંગરપ્રિન્ટ અથવા બીજું સિક્યુરિટી લેવલ નહીં હોય.

વધારાની તપાસ: પહેલા તમે દુકાન પર જઈને સીધું સ્કેન કરીને પેમેન્ટ કરી શકતા હતા, પરંતુ હવે PIN નાખવાની સાથે તમારી પાસે ફિંગરપ્રિન્ટ કે ડિજિટલ કોડ વગેરે માંગવામાં આવી શકે છે.

સિમ-સ્વેપથી રક્ષણ: ઘણીવાર હેકર્સ તમારા નામે બીજું સિમ કાર્ડ કઢાવી લેતા હોય છે, પરંતુ હવે માત્ર સિમ હોવું પૂરતું નહીં રહે.

મોટા ટ્રાન્ઝેક્શન પર નજર: જો કોઈ તમારા ફોનથી મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયાસ કરશે, તો સિસ્ટમ આપમેળે જ વધારાનું વેરિફિકેશન માંગશે.


Related Posts

Load more