CM Bhupendra Patel Birthday: આજે 15 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. ‘દાદા’ના હુલામણા નામે જાણીતા અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના રાજકારણમાં એક મજબૂત અને વિશ્વાસપાત્ર નામ બની ગયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે આવો જાણીએ એક સામાન્ય કાર્યકર્તાથી લઈને રાજ્યના મુખ્યમંત્રી બનવા સુધીની તેમની પ્રેરણાદાયી સફર.
‘દાદા’ની મુખ્યમંત્રી તરીકેની રાજકીય સફર, વિધાનસભામાં રેકોર્ડબ્રેક જીત
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી છે. તેઓ 13 સપ્ટેમ્બર 2021થી આ જવાબદારી નિભાવી રહ્યા છે. તેમની કાર્યક્ષમતા અને લોકપ્રિયતાનો પુરાવો 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો, જ્યાં તેમની આગેવાનીમાં ભાજપે ગુજરાતના ઇતિહાસમાં સર્વકાલીન શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 156 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડિયા મતવિસ્તારમાંથી 1,17,000 મતોના જંગી માર્જિનથી જીત મેળવીને તેઓ ધારાસભ્ય બન્યા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં પણ તેમણે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને હરાવીને ફરીથી જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલનું જીવન અને શિક્ષણ
15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્રભાઈનું બાળપણ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવા પોળમાં વીત્યું હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે એપ્રિલ 1982માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂર્ણ કર્યો છે. વ્યવસાયે તેઓ બિલ્ડર છે, પરંતુ જનસેવાની ભાવનાએ તેમને રાજકારણના માર્ગે વાળ્યા. આમ, તો વ્યવસાયે તેઓ બિલ્ડર પરંતુ પ્રજાલક્ષી કાર્યોને વાચા આપતાં-આપતાં નગરપાલિકાના સભ્ય બન્યા.
ગ્રાઉન્ડ લેવલથી પાયાની રાજનીતિ
તેમની રાજકીય સફર એકદમ પાયાથી શરૂ થઈ હતી. 1995-1996, 1999-2000 અને 2004-2006માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા. 1999-2000માં તેઓ મેમનગર નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા. 2008 થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન અને ત્યારબાદ 2010 થી 2015 સુધી થલતેજ વોર્ડના કાઉન્સિલર તરીકે સેવા આપી. તેમણે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) માં મહત્વની ભૂમિકા ભજવી અને AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ કાર્યભાર સંભાળ્યો.
તેમના રાજકીય જીવન પર નજર કરીએ તો …
મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ
ભૂપેન્દ્ર પટેલ પોતાના ‘લો પ્રોફાઈલ’ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા છે. તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત ‘અક્રમ વિજ્ઞાન’ ચળવળના અનુયાયી છે અને ખૂબ જ ધાર્મિક મનોવૃત્તિ ધરાવે છે. વહીવટી અધિકારીઓ પાસેથી કામ લેવાની તેમની આવડત અને કોઈપણ વિવાદ વિના રાજ્યનું શાસન ચલાવવાની તેમની શૈલીએ તેમને જનતામાં ખૂબ લોકપ્રિય બનાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અનેક વખત જાહેરમાં તેમની કાર્યશૈલીના વખાણ કરી ચૂક્યા છે.