Hardik Patel’s statement: તાજેતરમાં પંચાલ સમાજ દ્વારા વસ્તી વધારવા અંગે અપાયેલા નિવેદન બાદ હવે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ પાટીદાર સમાજની ઘટતી જતી વસ્તી અને ગામડાઓમાં ખાલી થતા ઘરો અંગે ચિંતા વ્યક્ત કરી છે. દેત્રોજ પંથકમાં આયોજિત ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના એક કાર્યક્રમમાં હાર્દિક પટેલે સમાજના અસ્તિત્વને લઈને મહત્વપૂર્ણ નિવેદનો કર્યા હતા.
વોટિંગ કાર્ડ અને વતન સાથેનો નાતો
ધારાસભ્ય હાર્દિક પટેલે સ્થળાંતર કરી ગયેલા પાટીદારોને ખાસ અપીલ કરતા કહ્યું હતું કે તમે ભલે ધંધા-રોજગાર માટે અમદાવાદ સ્થાયી થયા હોવ કે પછી અમેરિકા ગયા હોવ, પણ તમારું ચૂંટણી કાર્ડ હંમેશા વતનનું જ રાખજો. જે દીકરા-દીકરીઓ 18 વર્ષના થાય, તેમના વોટિંગ કાર્ડ પણ વતનમાં જ કઢાવવા જોઈએ. તેમણે રહસ્યમય રીતે ટકોર કરતા જણાવ્યું હતું કે, “ખરો સમય આવશે ત્યારે ખબર પડશે કે હાર્દિકે આજે આ વાત કેમ કરી હતી.” આ નિવેદન દ્વારા તેમણે ભવિષ્યમાં ગામડાઓમાં રાજકીય અને સામાજિક વર્ચસ્વ જાળવી રાખવાની ગણતરી દર્શાવી છે.
હાર્દિક પટેલનું આ નિવેદન એ વાત તરફ ઈશારો કરે છે કે ગુજરાતમાં ગ્રામ્ય સ્તરે વસ્તીનું સંતુલન બદલાઈ રહ્યું છે અને પાટીદાર નેતાઓ હવે ‘રિવર્સ માઈગ્રેશન’ અથવા ઓછામાં ઓછું વતનમાં મતાધિકાર જાળવી રાખવા પર ભાર મૂકી રહ્યા છે.